સમયસાર ગાથા-૨૩૩ ] [ પ૧૭
તો કોઈ લોકો રાડો પાડે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો તો અનેકાન્ત થાય.
તેને કહીએ છીએ કે વ્યવહારથી નિશ્ચય થાય એવું અનેકાન્ત છે જ નહિ. બાપુ! અહીં તો એમ કહે છે કે-સમકિતી વ્યવહારના રાગને ઘટાડતો જાય છે ને નિશ્ચય શુદ્ધતા વધારતો જાય છે. આ અનેકાન્ત છે. ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એ તો તારું મિથ્યા એકાન્ત છે, જ્યારે નિશ્ચય-શુદ્ધ આત્માના લક્ષે જ નિશ્ચય-શુદ્ધ પરિણતિ થાય એ સમ્યક્ એકાન્ત છે. હવે એને બિચારાને કોઈ દિ’ માર્ગ મળ્યો જ નથી એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં ગુંચાઈ પડયો છે. પણ બાપુ! એ બધા રાગના-પુણ્યના ભાવો વડે જેનાથી જન્મ-મરણ મટે એવો ધર્મ કદીય થાય એમ નથી. અન્ય મારગમાં ગમે તે હો, વીતરાગનો આ મારગ નથી.
હવે કહે છે-‘આ ગુણનું બીજું નામ ‘ઉપબૃંહણ’ પણ છે. ઉપબૃંહણ એટલે વધારવું તે. સમ્યદ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃંહણગુણવાળો છે.’
સિદ્ધના સ્વરૂપમાં ઉપયોગ જોડે એટલે શું? અહીં સિદ્ધ એટલે ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે. આવે છે ને કે-‘સર્વ જીવ છે સિદ્ધસમ.’ અહા! ભગવાન આત્મા પોતે ચૈતન્યચિંતામણિ રત્ન છે. ધર્મીએ પોતાનો ઉપયોગ તેમાં જોડયો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે. આ તપ ને નિર્જરા છે. આત્માની સર્વ શક્તિઓ જેમાં વૃદ્ધિગત થાય તે તપ ને નિર્જરા છે. બાકી બહારના ઉપવાસ આદિ તો થોથાં છે.
અહા! અજ્ઞાની જે મહિના મહિનાના ઉપધાન કરે છે તે કેવળ પાપની મજુરી કરે છે. કેમ? કેમકે મિથ્યાત્વ તો તેને ઊભું છે. કાંઈક પુણ્ય પણ કદાચિત્ થાય તેને મિથ્યાત્વ ખાઈ જાય છે. હવે ત્યાં ધર્મ કયાં થાય બાપુ? અહીં તો આ સ્પષ્ટ વ્યાખ્યા છે કે-પરદ્રવ્યના આશ્રયમાં રાગ જ થાય છે અને સ્વદ્રવ્યના આશ્રયમાં જ વીતરાગતા થાય છે. આ સર્વજ્ઞ પરમેશ્વરનો ઢંઢેરો છે. ‘સ્વાશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર.’ આ મૂળ સિદ્ધાંત છે. ભાઈ! જેટલો પરાશ્રયમાં જાય છે તેટલો રાગ છે. તેથી તો કહ્યું કે-જ્ઞાનીએ પરાશ્રયમાંથી દ્રષ્ટિ ઊઠાવી લીધી છે.
અહા! કહે છે-ઉપયોગ પોતાના સિદ્ધસ્વરૂપમાં જોડેલો હોવાથી જ્ઞાનીને આત્માની સર્વશક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે. ટીકામાં ‘વૃદ્ધિ’ કહી હતી ને? અહીં આત્મા પુષ્ટ થાય છે એમ કહે છે. એટલે શું? કે જેમ ચણો પાણીમાં પલળીને પોઢો થાય છે તેમ જ્ઞાની ભગવાન આત્મામાં-અનંતશક્તિનું સંગ્રહાલય એવા આત્મામાં