પ૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ -તલ્લીન થતાં તે ધર્મથી પુષ્ટ થાય છે, શાંતિથી પુષ્ટ થાય છે, જ્ઞાનથી પુષ્ટ થાય છે. અહો! સંતોની વાણી અજબ છે!
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તોપણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તે છે.’
જોયું? સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી દુર્બળતાથી જે બંધ થતો હતો તે હવે થતો નથી. મતબલ કે હવે સબળતા વૃદ્ધિગત થવાથી ધર્મીને દુર્બળતા રહી નથી અને તેથી દુર્બળતાકૃત બંધ તેને થતો નથી એમ કહે છે.
વળી અંતરાયના ઉદયમાં જોડાવાથી ધર્મીને કિંચિત્ નબળાઈ હોય છે તોપણ તેના અભિપ્રાયમાં કયાં નિર્બળતા છે? અભિપ્રાયમાં તો પૂરણ પ્રભુતાનો સ્વામી, અનંતવીર્યનો સ્વામી પોતે છે એમ નિર્ણય કર્યો છે. અહા! ધર્મીને તો અભિપ્રાયમાં પૂરણ ભગવાન-પ્રભુ આત્મા વસ્યો છે. તેથી ભલે તે ચોથે ગુણસ્થાને નરકમાં હો કે તિર્યંચમાં, તેને તો પોતાની પૂરણ પ્રભુતા જ દેખાય છે. પર્યાય ઉપરથી તો તેની દ્રષ્ટિ જ હઠી ગઈ છે. તેથી તેને તો અનંત શક્તિનો સાગર પ્રભુ પૂરણ જ દેખાય છે.
આ પ્રમાણે અભિપ્રાયમાં નિર્બળતા જ્ઞાનીને છે નહિ. તેથી નિરંતર તેને પર્યાયમાં જે કિંચિત્ નબળાઈ છે તેનો નાશ કરવાનો તેને ઉદ્યમ વર્તે છે. આ પ્રમાણે આઠમાંથી પાંચ ગુણ થયા. હવે સ્થિતિકરણ, વાત્સલ્ય ને પ્રભાવના એમ ત્રણ રહ્યા. તે હવે આવશે.