પ૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાન-ચારિત્ર છે તેને સેવવાં. ‘ताणि पुण जाण तिण्णि वि अप्पाणं’–તે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય થઈને આત્મા-એકત્વ છે. અહા! આત્માના એકપણાનો અનુભવ તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અભેદબુદ્ધિએ અનુભવ છે. ઝીણી વાત છે ભાઈ! ભગવાન કેવળીનો કહેલો મારગ બહુ સૂક્ષ્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તો પર્યાય પણ તે પર્યાયનું લક્ષ્ય-ધ્યેય ત્રિકાળી ધ્રુવ છે.
અહા! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (-અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે.’ અહા! થોડા શબ્દોમાં, જુઓ તો ખરા, આ મુનિવરોએ કેટલું ભર્યું છે! અહાહા...! પોતાના એક જ્ઞાયકભાવસ્થિત દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ અનુભવવાં તે માર્ગવત્સલતા છે. આનું નામ વાત્સલ્ય કે મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રેમ છે એમ કહેવામાં આવે છે.
અરે ભાઈ! આ જે સુંદર રૂપાળાં કાંતિવાળાં શરીર દેખાય છે તેની તો ક્ષણમાં બાપા! રાખ થઈ જશે. એમાં તો ધૂળેય (માલ) નથી. અહીં કહે છે-એનો પ્રેમ છોડ, રાગનોય પ્રેમ છોડ ને એક સમયની પર્યાયનો પણ પ્રેમ છોડ; અને એક જ્ઞાયકભાવથી નાતો જોડ. ત્યારે તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પોતાથી એકત્વનો અનુભવ થશે અને તે માર્ગવત્સલતા છે એમ કહે છે.
અહા! ધર્મી માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે પ્રીતિવાળો છે. એટલે શું? કે ચિદાનંદ સહજાનંદસ્વરૂપ ભગવાન આત્માનું અંદર જ્ઞાન થઈને જે પ્રતીતિ થઈ છે, તેનું જે જ્ઞાન થયું છે અને તેમાં જે રમણતા-લીનતા થઈ છે તેને ધર્મી સ્વપણે-એકપણે પોતામાં અનુભવે છે, અને તેને મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. હવે આવું કદી સાંભળ્યુંય ન હોય તે બિચારા શું કરે? પરમાં ને શુભરાગમાં પ્રેમ કરે; પણ પરમાં ને રાગમાં પ્રેમ કરવો એ તો વ્યભિચાર છે.
અહા! શુભરાગનો પ્રેમ એ તો વેશ્યાના પ્રેમ જેવો છે. પ્રવચનસારમાં (ગાથા ૨૭૯માં) ‘અભિસારિકા’ શબ્દ આવે છે. પરપુરુષ જે પ્રેમી છે તેને મળવા જનારી સ્ત્રીને ‘અભિસારિકા’ કહે છે. એમ જે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને છોડીને રાગમાં પ્રેમ કરે છે તે અભિસારિકા સમાન વ્યભિચારી છે, અને ત્રિલોકનાથ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ એકરૂપ કરે છે તે માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગમાં અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. ધર્મીને તો રાગ ને નિમિત્તનો પ્રેમ છૂટી ગયો છે. તેને તો એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની જ ભાવના-પ્રેમ છે. હવે આવું ઝીણું પડે એટલે અજ્ઞાની દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિના શુભરાગમાં રોકાઈ જાય છે પણ ભાઈ! રાગમાં રોકાઈ રહેવું એ તો મિથ્યાત્વ-