Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2439 of 4199

 

પ૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ હોય, લક્ષ્મીના ગંજ થતા હોય તોપણ ધર્મીને તેમાં પ્રેમ નથી. એની તો પ્રેમની- રુચિની દિશા જ બદલી ગઈ છે. અહો! દર્શનશુદ્ધિ કોઈ અજબ ચીજ છે! એની પ્રગટતા થતાં જીવની રુચિની દિશા પલટી જાય છે; પરમાંથી ખસી તેની રુચિ સ્વમાં જાગ્રત થાય છે.

જ્ઞાનીને ચારિત્રમોહ સંબંધી દોષ હોય, પણ દર્શનશુદ્ધિ હોવાથી તેને પરપદાર્થોમાં મૂઢતા નથી હોતી. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. અપાર રાજ્યવૈભવ અને અનેક રાણીઓ હતી. પણ અંતરમાં મોક્ષમાર્ગની-શુદ્ધ રત્નત્રયની રુચિ હતી, રાજ્યમાં ને રાણીઓમાં પ્રેમ (મૂઢતા) ન હતો. અહા! જ્ઞાનીને અહીં (આત્મામાં) જેવો પ્રેમ હોય છે તેવો ત્યાં (પરમાં, બહારમાં) પ્રેમ નથી. અજ્ઞાનદશામાં એથી ઉલટું હોય છે.

તો રામચંદ્રજીને રાગનો રાગ હતો કે નહિ? સમાધાનઃ– ના; રામચંદ્રજીને રાગનો રાગ ન હતો. રામચંદ્રજી જંગલમાં સર્વત્ર પૂછતા-મારી સીતા, મારી સીતા,... જોઈ? છતાં તે રાગ અસ્થિરતાનો હતો, રાગનો રાગ ન હતો.

જુઓ, સીતાજી પતિવ્રતા હતાં. રામ સિવાય સ્વપ્નેય તેમને બીજો કોઈ વિકલ્પ ન હતો. રાવણ જ્યારે તેમને ઉપાડી જતો હતો ત્યારે-અહા! આ મને ઉપાડી જાય છે તો મારે આ આભૂષણોથી શું કામ છે? -એમ વિચારી સીતાજીએ આભૂષણો નીચે નાખી દીધાં. જોયું? નજરમાં રામ હતા તો બીજી કોઈ ચીજ વહાલી લાગી નહિ. તેમ ધર્મીને નજરમાં-દ્રષ્ટિમાં-રુચિમાં આત્મા છે તો તેને જગતમાં બીજી કોઈ ચીજ વહાલી હોતી નથી. ઇન્દ્રપદ કે ચક્રવર્તીનાં પદ તેને વહાલાં નથી. અહા! અંદર દર્શન, જ્ઞાન ને સ્વરૂપાચરણ જેને પ્રગટયાં છે તેને બધેયથી પ્રેમ ઉડી ગયો છે. ગજબ વાત છે ભાઈ! આવે છે ને કે-

“ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ,
કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.”

અહા! ધર્મીને જગત આખું તુચ્છ ભાસે છે. શ્રીમદે કહ્યું છે ને કે-‘જગત ઈષ્ટ નહિ આત્મથી.’ જેને આત્મા ઈષ્ટ થયો તેને જગત ફીકું-ફચ લાગે છે. સમજાણું કાંઈ...?

જુઓ, કોઈ મકાન કરોડો અબજોની સામગ્રીથી ભર્યું-ભર્યું હોય ને તેમાં મડદું રાખ્યું હોય તો તે મડદાને એ સામગ્રીથી શું કામ છે? તેને છે કાંઈ? તેમ ભગવાન આત્મા ચૈતન્યપરમેશ્વર પ્રભુનાં પ્રતીતિ-જ્ઞાન ને રમણતાની પ્રીતિ જેને થઈ છે તે જ્ઞાની બહારની અનેકવિધ સામગ્રીમાં ઊભો હોય તોપણ સામગ્રી પ્રત્યે તે મડદા જેવો ઉદાસ-ઉદાસ-ઉદાસ છે. અહા! અત્યારે તો અજ્ઞાનીઓએ મારગ આખો વીંખી નાખ્યો છે!