ભાઈ! આ તો કેવળજ્ઞાનીના કેડાયતીની વાણી છે. કેવળીના વિરહ ભૂલાવે એવી વાત છે. જગતનાં ભાગ્ય કે સમયસાર જેવું શાસ્ત્ર રહી ગયું, આવી વાણી ભરતક્ષેત્રમાં રહી ગઈ. અહો! જૈનદર્શન કોઈ અદ્ભુત અલૌકિક છે. તેમાં મૂળસ્વરૂપ-નિશ્ચયસ્વરૂપ તો યથાર્થ છે જ કે જે બીજે કયાંય નથી, પણ પર્યાય કે જે વ્યવહાર છે એનું સ્વરૂપ પણ જૈનદર્શનમાં જેવું બતાવ્યું છે એવું બીજે કયાંય નથી, એકેક ભેદોનું જ્ઞાન કરાવી પછી એનો નિષેધ કરે છે. સમયસાર ગાથા પ૦ થી પપ માં “ભિન્નભિન્ન શુભભાવ છે, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે”-એમ કેવળજ્ઞાનમાં જે વ્યવહાર જણાયો એ વ્યવહારનું જ્ઞાન કરાવી ત્રિકાળીની દ્રષ્ટિમાં એનો નિષેધ કરે છે.
આમ છે, ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એનો પત્તો લાગી ગયો તો ખલાસ. એના સંસારનો અંત આવી જશે, પછી ભલે વર્તમાનમાં ચારિત્ર ન હોય. દર્શન પાહુડમાં આવે છે કે-सिज्झंति य चरियभट्टा दंसणभट्टा न सिज्झंति– ચારિત્રથી ભ્રષ્ટ તો મુક્તિને પામે છે, પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ જીવ મુક્તિ પામતો નથી. સમ્યગ્દર્શન છે પણ જેને ચારિત્ર નથી તે શ્રદ્ધાનના બળે તે સ્વરૂપમાં રમણતા કરી મોક્ષને પામશે. પરંતુ જેને શ્રદ્ધા જ નથી એ સ્થિરતા શામાં કરશે? એને આત્માની સ્થિરતા બની શકતી નથી. અહાહા...! આત્માનો એકરૂપ સ્વભાવ-જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એવો જે અનાદિ-અનંત ધ્રુવ, ધ્રુવ ચૈતન્યભાવનો એકસદ્રશ પ્રવાહ (પર્યાયરૂપ નહીં) છે તે વ્યવહારનયના આલંબનથી (ભેદના લક્ષે) પ્રાપ્ત થતો નથી. સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ પંડિત શ્રીજયચંદજીએ જ્યાં અર્થ કર્યો છે ત્યાં (ગાથા ૩૧૧-૩૧૨માં) આ વાત લીધી છે કે આત્માને દયા, દાન, ભક્તિ આદિના રાગથી તથા મતિ, શ્રુત આદિ પર્યાયથી તો અનાદિથી જાણ્યો છે. પણ રાગ અને પર્યાયને જાણતાં એકરૂપ સ્વભાવ જાણવામાં આવતો નથી. તેથી એ પર્યાયોમાં (ભેદોમાં) ભેદને ગૌણ કરીને અભેદરૂપ અનંત એકભાવરૂપ ચૈતન્યને ગ્રહણ કરી વસ્તુનું-દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું છે. ભાઈ! આત્માની આવી યથાર્થ સમજણ વિના જે કાંઈ ક્રિયાકાંડ કરે તે વ્યર્થ છે, એકડા વિનાનાં મીંડાં છે.
પાંચમો બોલઃ– જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ-તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું