ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? જળ તો સ્વભાવથી ઠંડું છે, પણ પોતાની યોગ્યતા અને અગ્નિના નિમિત્તથી પર્યાયમાં ઉષ્ણ થાય છે. ઉષ્ણતા પોતાની પર્યાયમાં પોતાથી છે, અગ્નિ તો નિમિત્તમાત્ર છે. પાણીની ઉષ્ણ અવસ્થા અગ્નિથી થઈ છે એમ નથી. ઉષ્ણ અવસ્થા થવાની તે સમયે જન્મક્ષણ છે તો થઈ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ ટીકામાં આવો પાઠ છે. હવે પર્યાયદ્રષ્ટિથી જોતાં જળમાં ઉષ્ણપણું છે તે સત્ય છે. અવસ્થાથી જોતાં જળને ઉષ્ણતા સાથે સંયુક્તપણું છે તે ભૂતાર્થ છે, તોપણ એકાંતશીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. પાણીનો સ્વભાવ તો એકાંત શીતળ છે. અવસ્થામાં ઉષ્ણપણું છે તે કાળે પણ પાણીનો સ્વભાવ શીતળ જ છે. એવા જળના ત્રિકાળ સ્વભાવની સન્મુખ થઈને જોવામાં આવે તો ઉષ્ણપણું અસત્યાર્થ છે-અભૂતાર્થ છે.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? ભગવાન આત્માની પર્યાયમાં જેટલો કર્મનો સંબંધ પામીને વિકાર ઉત્પન્ન થાય છે એ વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં સત્યાર્થ છે. વેદાંતની જેમ રાગ અને પર્યાય નથી એમ નહીં. તોપણ જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે કે જીવસ્વભાવમાં અંદર ઊંડા ઊતરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે. અહાહા! ભગવાન તારી ચીજ એકાંત બોધરૂપ છે. ભાષા જુઓ. પોતે એકાંત જ્ઞાનસ્વરૂપ છે. કોઈ ઈશ્વરે આત્માને જ્ઞાનસ્વરૂપ બનાવ્યો છે એમ નથી. જ્ઞાનસ્વભાવ એ આત્માનું સહજ રૂપ છે. અગ્નિના નિમિત્તે પાણી પર્યાયમાં ઉષ્ણ થયું છે ત્યારે પણ પાણીનો શીતળતારૂપ સ્વભાવ તો અંદર પડેલો જ છે. તેમ ભગવાન આત્માને વર્તમાન પર્યાયમાં કર્મના સંબંધથી વિકારી દુઃખરૂપ દશા છે, ત્યારે પણ આત્માનો સહજ આનંદ, બોધરૂપ સ્વભાવ અંદર પડેલો જ છે. એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે વર્તમાન વિકારી દશાને ગૌણ કરી એક જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં આનંદનો અનુભવ થાય છે એ અપેક્ષાએ દુઃખરૂપ- સંયુક્તપણારૂપ દશા અસત્યાર્થ છે, જૂઠી છે. બહુ ઝીણી વાત, ભાઈ!
મૂળ વાત જ અત્યારે તો આખી ગુલાંટ ખાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. પૂજા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બંધાવો એટલે કલ્યાણ થઈ જશે એવું બધું સંપ્રદાયમાં ચાલે છે. મંદિર બંધાવવામાં મંદકષાય હોય તોપણ તે શુભભાવ છે, બંધન છે. બનારસીદાસે સિદ્ધાંતમાંથી કાઢી સમયસાર નાટક મોક્ષદ્વારમાં કહ્યું છે કે છઠ્ઠે-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતને કે જેને ત્રણ કષાયનો અભાવ છે અને પ્રચુર આનંદનું સ્વસંવેદન પર્યાયમાં વર્તે છે તેને પણ જે શુભભાવરૂપ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે એ ‘જગપંથ’ છે.