સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૩પ કરવા-વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. વર્તમાનમાં જ્ઞાનની અંશરૂપ પ્રગટતા છે; હવે તે સમસ્ત શક્તિને પ્રગટ કરવા-ફેલાવવા જ્ઞાની પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. આવી વ્યાખ્યા છે!
અહા! લોકમાં તો મોટા ગજરથ કાઢે ને પાંચ-પચાસ લાખના ખર્ચા કરે તો લોકો ‘સંઘવી’નું પદ આપે. પણ એમાં તો ધૂળેય નથી સાંભળને. એમાં તો કદાચ શુભરાગ હોય તો પુણ્ય થાય; પણ જો અભિમાન હોય કે-અમે બહાર પડીએ, લોકમાં અમારી વાહવાહ થાય અને અમને સંઘવીપદ મળે તો એ તો નર્યો પાપભાવ છે. સમજાણું કાંઈ...?
જુઓ, ભગવાન બાહુબલી ધ્યાનમગ્ન હતા; પણ અંદર જરી વિકલ્પ રહ્યા કરતો હતો કે આ રાજ્ય ભરત ચક્રવર્તીનું છે તો કેવળજ્ઞાન ન થયું. અહા! એ રાગના-માનના ગજે (હાથીએ) ચઢયા તો અંદર કેવળ ન થયું. પણ ભરતે આવીને જ્યારે વંદન કર્યું તો થયું કે-ઓહો! આને (ભરતને) તો કાંઈ નથી. એમ થતાં વેંત જ એકદમ (માનનો) વિકલ્પ છૂટી ગયો ને તત્કાળ ઝળહળ જ્યોતિરૂપ કેવળજ્ઞાન પામ્યા, સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતાને પામ્યા. અહા! ચૈતન્યની સમસ્ત શક્તિ પ્રગટ થઈ ગઈ. આ અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી અર્થાત્ પ્રકૃષ્ટ ભાવ નામ એકાગ્રતા ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનારો છે. ગજબની વ્યાખ્યા છે ભાઈ!
અજ્ઞાની તો પાંચ-પચાસ લાખ ખર્ચે ને ત્યાં એમ માને કે અમે પ્રભાવના કરી. પણ એમાં તો ધૂળેય પ્રભાવના નથી સાંભળને. શુભરાગને પણ વ્યવહારે પ્રભાવના ત્યારે કહેવાય છે કે જ્યારે અંદર નિશ્ચય જ્ઞાનની પ્રગટતા ને વિકાસ થતાં હોય. અજ્ઞાનીના વિકલ્પમાં તો ઉપચાર પણ સંભવિત નથી. આવી વાત છે.
અહા! જ્ઞાની પ્રભાવના કરનાર છે. હવે કહે છે-‘તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
શું વાત છે? કે સમકિતીને આઠ ગુણ હોય છે. અહા! સમકિતી કોને કહીએ? કે જેણે પૂરણ એક જ્ઞાયકભાવમયપણું પ્રગટ છે અર્થાત્ જેની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર સ્થિર ચોંટી છે અને જેનું લક્ષ નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી ખસી ગયું છે તે સમકિતી છે ને તેને નિઃશંક્તિ આદિ આઠ ગુણ હોય છે.
૧. અહા! સૂર્યબિંબની જેમ હું શુદ્ધ એક પૂરણ જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ આત્મા છું એમ ધર્મી સ્વરૂપમાં નિઃશંક છે તે નિઃશંકિતગુણ છે.