પ૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે; એટલે નિશ્ચય હોય છે ને વ્યવહાર પણ હોય છે. પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે, સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી. પણ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ સ્યાદ્વાદ છે-એમ અર્થ નથી.
અહીં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેના આશ્રયે સમકિત પ્રગટતાં ધર્મીને જે નિશ્ચય નિઃશંકિત આદિ ગુણો પ્રગટ થાય છે તેની મુખ્યતાથી આ નિર્જરા અધિકારમાં કથન છે. ત્યાં વ્યવહારની મુખ્યતાથી વાત આવે ત્યારે હમણાં કહ્યા એવા વ્યવહારના આઠ બોલ આવે; અને બન્નેને એક સાથે કહેવા હોય તો પ્રમાણથી કહેવામાં આવે. પરંતુ પ્રમાણમાં, નિશ્ચયમાં જે સ્વીકાર્યું છે તેને રાખીને વ્યવહારને સાથે ભેળવવામાં આવે છે. પણ ત્યાં એમ નથી કે વ્યવહારથી નિશ્ચય થાય તો તેને પ્રમાણજ્ઞાન કહેવાય. વ્યવહારથી નિશ્ચય થાય તો નિશ્ચય જુદું ન રહ્યું અને તો પ્રમાણજ્ઞાન પણ ક્યાં રહ્યું? પ્રમાણજ્ઞાનમાં તો નિશ્ચય, ને વ્યવહાર બન્ને સાથે છે એમ વાત છે પણ વ્યવહારથી નિશ્ચય છે એમ ક્યાં છે? અહા! વીતરાગનો મારગ બાપા! બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કરે તો સમજાય એવો છે).
હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દ્રષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ-
‘इति नवम्बन्धं रुन्धन्’ –એ પ્રમાણે નવીન બંધને રોકતો અને ‘निजैः अष्टाभि अंगैः संगतः निर्जरा–उज्जृम्भणेन प्राग्बद्धं तु क्षयम् उपनयन्’ (પોતે) પોતાના આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો ‘सम्यग्द्रष्टिः’ સમ્યગ્દ્રષ્ટિ જીવ...’
અહા! પરમ આનંદરસમાં નિમગ્ન એવો સમ્યગ્દ્રષ્ટિ નવીન બંધને રોકી દે છે અને તેને નિઃશંકિત આદિ આઠ ગુણ પ્રગટ થયા હોવાથી તે કર્મની નિર્જરા કરનારો છે. તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે ને? તેથી તે વડે તે પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી દે છે. અહા! ‘શુદ્ધ’ નું જેમાં પરિણમન થયું છે તે સમકિત કોઇ અચિંત્ય અલૌકિક ચીજ છે બાપા! અહા! એના વિના બહારમાં ગમે તેવી ક્રિયા કરે તોપણ એ બધાં થોથાં એટલે એકડા વિનાનાં મીંડાં છે.
અહા! અજ્ઞાની કહે છે-સમ્યગ્દર્શન વિના ચારિત્ર ન હોય એ તો ઠીક વાત છે, પણ સમ્યગ્દર્શનની ખબર કેમ પડે? એ તો ભગવાન કેવળી જ જાણે. માટે આ જે (આગમમાં કહેલી) વ્યવહારની વ્રતાદિ ક્રિયા કરીએ છીએ તે સાધન છે અને માટે તે મોક્ષનો મારગ છે.