સમયસાર ગાથા-૨૩૬ ] [ પપ૩ અહા! ધર્મી આનંદમાં નાચી રહ્યો છે. કેવો થયો થકો? સમસ્ત ગગનમંડળને જ્ઞાન વડે જાણતો થકો તે નિજાનંદમાં નાચે છે. જુઓ આ ધર્માત્મા!
ત્યારે કોઇ અજ્ઞાનીઓ વળી કહે છે-ટોડરમલજી ને બનારસીદાસજી અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. (એમ કે તેઓ પાગલ-મૂર્ખ હતા).
અરે ભગવાન! આમ ન કહે પ્રભુ! શ્રી ટોડરમલજી અને બનારસીદાસજી તો નિજાનંદરસમાં નાચનારા સમર્થ જ્ઞાની હતા.
અજ્ઞાનીને નિશ્ચયસ્વરૂપની સૂઝ છે નહિ અને બહારમાં તે મૂઢ થઇને રહ્યો છે. અહા! શું થાય? જ્યાં સૂઝ પડે એમ છે ત્યાં તેને મુંઝ (મૂઢપણું) છે અને જ્યાં મુંઝ (મૂઢતા) પડે એમ છે ત્યાં તેને સૂઝ પડે છે. જ્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સૂઝ પડે છે ત્યાં તો તે નરી મૂઢતા છે અને સ્વરૂપમાં સૂઝ પડે તેમ છે ત્યાં તેની સૂઝ નથી. પણ બાપુ! આવો અવસર અનંતકાળે મળવો દુર્લભ છે હોં. પૈસા-ધૂળનો પતિ ધૂળપતિ-અબજોપતિ તો તું અનંતવાર થયો પણ ભાઈ! સમકિત થવું મહા મહા દુર્લભ છે. હવે આ જિનવચન સાંભળવુંય ન ગોઠે તેનું શું થાય? (તેનું તો દુર્ભાગ્ય જ છે).
‘સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વબંધનો નાશ થાય છે.’
અહા! સમ્યગ્દ્રષ્ટિને એટલે કે જેને પરમાનંદમય પોતાનો ચૈતન્ય સાહેબો દ્રષ્ટિમાં- પ્રતીતિમાં આવ્યો છે તેવા સત્-દ્રષ્ટિવંતને કહે છે, શંકાદિકૃત નવીન બંધ થતો નથી. શંકા, કાંક્ષા આદિ નહિ થવાથી નવીન બંધ તો થતા નથી અને આઠ અંગો સહિત હોવાને લીધે તેને પૂર્વબંધનો નાશ થઇ જાય છે.
‘તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને....’ જોયું? સમકિતી ધારાવાહી સતત જ્ઞાનરસનું પાન કરે છે. શ્રી સોગાનીજીએ ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’ માં નથી લખ્યું? કે જેમ તૃષા લાગી હોય તો શેરડીનો રસ ઘટ-ઘટ ઘૂંટડા ભરીને પીવે છે તેમ અમે આનંદને પીએ છીએ. અહા! જ્ઞાની નિજાનંદરસને ઘૂંટ ભરી ભરીને પીએ છે. આવી વાત!
અહીં કહે છે- ‘તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને, જેમ કોઇ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.’