પપ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિજાનંદરસમાં મસ્ત થઇ ગયો છે. તેના આનંદરસમાં કોઇ ભાગીદાર નથી. એ તો અજ્ઞાનીના દુઃખના રસમાંય બીજો ભાગીદાર ક્યાં છે? અહા! તે જે રસમાં તું છે તેને ભોગવ બાપુ!
એ તો બે ભાઈની વાત નહોતી કહી? કે નાના ભાઈ માટે મોટો ભાઈ દવા લાવતો. હવે નાના ભાઈને કાંઇ ખબર નહિ કે દવામાં ઇંડાનો રસ હતો, તો નાનો ભાઈ તો પી જતો. હવે બન્યું એવું કે નાનો ભાઈ મરીને પરમાધામી થયો અને મોટો ભાઈ નારકી થયો. ત્યાં જાતિસ્મરણમાં ખ્યાલમાં આવી ગયું તો મોટો ભાઈ કહે-
અરે ભાઈ! પણ એ પાપ તો મેં તારા માટે કર્યું હતું ને? ત્યારે નાનો ભાઈ કહે-પણ કોણે કહ્યું’ તું કે તું મારા માટે પાપ કરજે. માટે તારાં કરેલાં પાપ ભોગવ તું-એમ કહી નાનો ભાઈ (પરમાધામી) મોટા ભાઈને મારવા લાગ્યો, તો મોટો ભાઈ કહેવા લાગ્યો-અરે! તું મને મારે છે? શું આ ઠીક છે? હા, હું તો મારનાર છું; પરમાધામી છું ને? નાના ભાઈએ કહ્યું.
પ્રશ્નઃ– પણ આપ તો હજારોમાંથી આ એક દાખલો આપો છો? સમાધાનઃ– અરે ભાઈ! આવા એક તો શું અનંત-અનંત પ્રસંગ તને થઇ ગયા છે. એક એક સંસારી જીવને આવી અનંતવાર સ્થિતિ થઇ છે. શું કહીએ બાપા? પોતે મરીને નારકી થાય ને સ્ત્રી મરીને પરમાધામી થાય. તારે આવા અનંત પ્રસંગ થઇ ગયા ભાઈ! આ તો સંસારનું રખડપટ્ટીનું નાટક જ આવું છે કે બાપ થાય નારકી ને છોકરો થાય પરમાધામી. આમાં નવું શું છે? (એનાથી છૂટવું હોય તો સમકિત પ્રગટ કર.)
અહીં કહે છે-ધર્મીને-સમકિતીને તો આત્માના આનંદનો રસ ચડયો છે ને બીજો (કષાયનો) રસ ઉતરી ગયો છે. અહાહા....! છે અંદર? કે સમ્યગ્દ્રષ્ટિ જીવ ‘स्वयं अतिरसात्’ પોતે નિજરસમાં મસ્ત થયો થકો ‘आदि–मध्य–अन्तमुक्तं ज्ञानं भूत्वा’ આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એક પ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઇને ‘गगन– आभोग–रंगं विगाह्य’ આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) ‘नटति’ નૃત્ય કરે છે.
અહાહા....! કહે છે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેને આદિ-મધ્ય-અંત નથી. અહા! જે છે તેની આદિ શું? એ તો છે, છે ને છે. અહા! તેને મધ્ય પણ નથી ને અંત પણ નથી. ભગવાન આત્મા આદિ-મધ્ય-અંત વિનાનો સર્વવ્યાપક છે. એટલે શું? કે તે સર્વને જાણનારો છે. અહા! સર્વને જાણનારો તે એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઇને આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. મતલબ કે તે સર્વને જાણનારો રહીને નિજાનંદમાં મસ્ત થયો થકો નાચે છે.