સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૬૧
અહાહા....! ‘યોં’ -એટલે આ રીતે મતલબ કે બીજી રીતે નહિ તેમ-આ રીતે ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઇ જાય છે. આનું નામ પરમાનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઇ જાય છે; પરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઇ?
હવે આત્મા શું? ને ધર્મ શું? -એની ખબરેય ન મળે અને સામાયિક આદિ ક્રિયા કરે પણ એથી શું? એમાં ક્યાં સામાયિક છે? પોતે આત્મા શું ચીજ છે અને તેમાં ઠરવું કઇ રીતે તે જાણ્યા વિના અજ્ઞાની ઠરશે શેમાં? રાગમાં ઠરશે. આત્મામાં ઠર્યા વિના એને સામાયિકેય નથી ને ધર્મેય નથી; તો પછી મોક્ષની તો વાત જ ક્યાં રહી? બાપુ! મારગ તો આવો અંદર સ્વરૂપમાં ઠરવારૂપ છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે, પણ રાગના આશ્રયે કદીય પ્રગટતો નથી. સમજાણું કાંઇ....?
આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો છઠ્ઠો નિર્જરા અધિકાર સમાપ્ત થયો.