Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2473 of 4199

 

પ૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

જોયું? કર્મ તો ‘બિન ભાયે’ -વગર ભાવનાએ ખરી જાય છે એમ કહે છે. અહા! આંહી જ્યાં સ્વભાવમાં એકાગ્ર થયો તો કર્મ તેની મેળે ખરી જાય છે. ‘બિન ભાયે’ એટલે કે ભાવના કર્યા વિના એની મેળે ખરી જાય છે. આવો મારગ છે. કોઇને થાય કે વળી આવો તો જૈનધર્મ હશે? એમ કે વ્રત કરવા, ઉપવાસ કરવા, ભક્તિ કરવી, જાત્રા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં કહ્યાં છે પણ આ તે કેવો ધર્મ? અરે બાપુ! તને ખબર નથી ભાઈ! તું જે ક્રિયાઓ કહે છે એ તો બધો રાગ છે, તે કાંઇ શુદ્ધ ચૈતન્યની ક્રિયા નથી, અને તેથી તે જૈનધર્મ નથી. અહા! જગતથી સાવ જુદી જ વાત છે. (ધર્મીને તેવો રાગ આવે છે એ જુદી વાત છે પણ તે કાંઇ ધર્મ નથી, ધર્મ તો અંતર એકાગ્રતારૂપ છે).

અહા! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જેવો આ આત્મા અંદર છે તેવો જોયો અને કહ્યો છે. તો તેમણે જેવો આત્મા જોયો છે તેવો જ જેણે અંદરમાં જોયો છે તે જીવ જ્ઞાની ધર્મી છે; અને તેને નવીન બંધ નથી તથા પૂર્વનાં કર્મ આપ મેળે ખરી જાય છે. હવે કહે છે-

‘પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે.’

અહા! પૂરણ અંગ-સમકિતના આઠે ગુણ સહિત તે સુદર્શન નામ સમ્યગ્દર્શન ધરે છે અર્થાત્ નિઃશંકિત આદિ આઠે ગુણ સહિત તે શુદ્ધ પૂર્ણ સમકિતને ધારે છે. તેથી ‘નિત જ્ઞાન બઢૈ’ જ્ઞાન નામ અંતઃશુદ્ધતા વધતી જાય છે. નિર્જરા છે ને? અહા! થોડા શબ્દોમાં કેટલું મૂકયું છે? કહે છે-

‘નિત જ્ઞાન બઢૈ નિજ પાયે’ -અહા! શુદ્ધ સ્વરૂપને જે પ્રાપ્ત થયો છે તેને જ્ઞાનની શુદ્ધતા નિરંતર વધતી જાય છે. આવો ધર્મ લોકોને આકરો પડે છે એટલે કહેવા લાગે છે કે આ સોનગઢથી નવો કાઢયો છે. અરે ભાઈ! આ નવો નથી બાપા! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ અનાદિથી છે ભાઈ! ભગવાન! તને ખબર નથી પણ મારગ તો આ જ અનાદિથી છે.

ત્યારે વળી કોઇ કહે છે-તમે ઘરના અર્થ કરો છો. એમ નથી બાપુ! આ તો જે છે તેનો અર્થ કરીએ છીએ. તને બેસે નહિ એટલે તું ગમે તેમ માને; અત્યારે પુણ્ય હશે તો ‘ફાવ્યો’ -એમ લાગશે પણ એનાં (વિપરીત માન્યતાનાં) ફળ સારાં નહિ આવે ભાઈ! અહા! વસ્તુ તો આવી જ છે પ્રભુ!

અહીં કહે છે- ‘પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ’ -સુદર્શન એટલે સમ્યગ્દર્શન. ‘સુ’ છે ને? તો આઠો ગુણ સહિત સમ્યગ્દર્શન ધરે છે તેને ‘નિજ પાયે’ -આત્માની પ્રાપ્તિ દ્વારા નિરંતર જ્ઞાન નામ જ્ઞાનની શુદ્ધતા-આત્માની શુદ્ધતા વધતી જાય છે. અહા! જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ તેની શુદ્ધતા વધતી જાય છે; અર્થાત્ અશુદ્ધતાની વિશેષ-વિશેષ નિર્જરા થતી જાય છે. આવી વાત છે.