Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2472 of 4199

 

સમયસાર ગાથા-૨૩૬ ] [ પપ૯ નહિ પણ પોતાની કમજોરીના કારણે થાય છે. જ્ઞાનીને બાહ્ય અનુકૂળ-પ્રતિકૂળ જ્ઞેયને કારણે રાગદ્વેષ થતા નથી પણ પોતાની કમજોરીને લઇને કિંચિત્ રાગાદિ થાય છે અને તેને તે હેય જાણે છે. અજ્ઞાનીને તો સંયોગમાં ઇષ્ટ-અનિષ્ટપણું હોવાથી તેને સંયોગના કારણે (સંયોગમાં જોડાવાથી) રાગદ્વેષ થાય છે. આમ બેમાં બહુ મોટો ફેર છે. વીતરાગ મારગ બહુ અલૌકિક બાપા! એને જે સમજ્યો એનો તો બેડો પાર થઇ ગયો.

અહા! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માને જે અનંતસ્વભાવો (અનંત ચતુષ્ટય) પ્રગટ થયા તેની તો શી વાત! પણ તેને બહારમાં જે અતિશય પ્રગટ થયા છે તે પણ અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અહા! જુઓ તો ખરા! એની સભામાં સો સો ઇન્દ્રો નતમસ્તક છે. મોટા મોટા કેસરી સિંહો ગલુડિયાંની જેમ સભામાં ચાલ્યા આવે છે અને અત્યંત વિનમ્રપણે ભગવાનની વાણી સાંભળે છે. જંગલમાંથી સિંહ, વાઘ, હાથી, પચીસ-પચીસ હાથ લાંબા કાળા નાગ સમોસરણમાં આવે છે ને ભગવાનની વાણી સાંભળે છે. અહો! શું તે વાણી! ભવ્ય જીવોને આનંદ આપનારી ને ભવહારી તે વાણી કોઇ જુદી જાતની હોય છે. અહા! તે પરમ અદ્ભુત વાણી અહીં સમયસારમાં આચાર્યદેવે પ્રવાહિત કરી છે. તો કહે છે-

ધર્મી-સમકિતી કે જેને અનંતસ્વભાવથી ભરેલો પોતાનો ચિદાનંદસ્વરૂપ આત્મા પ્રાપ્ત થયો છે તે મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. એટલે શું? કે અનુકૂળ- પ્રતિકૂળ સંયોગમાં તેને સદા સમભાવ છે, આનંદ છે. તે સર્વ સંયોગો પ્રતિ જ્ઞાતા-દ્રષ્ટાના ભાવે જ રહે છે, પણ તેમાં વિષમતાને પ્રાપ્ત થતો નથી. તે કારણે ‘કર્મ નવીન બંધૈ ન તવૈ’ -ધર્મી પુરુષ નવાં કર્મ બાંધતો નથી. અહા! બાપુ! સમકિત શું અલૌકિક ચીજ છે તેની લોકોને ખબર નથી. અહીં કહે છે-સમકિતી નવીન કર્મ બાંધતો નથી.

અહા! અજ્ઞાનીને અંતરમાં પોતાની મોટપ બેઠી નથી તેથી બહારમાં વ્રત, તપ આદિ રાગના ભાવ વડે કલ્યાણ થઇ જશે એમ માને છે, પણ એથી તો ધૂળેય કલ્યાણ નહિ થાય. અહા! પ્રભુ! તને તારી મોટપ બેઠી નથી ને તું ધર્મ કરવા નીકળ્‌યો? બાપુ! એમ ધર્મ નહિ થાય. દયા, દાન, વ્રત આદિ તો બધી રાગની રાંકાઇ છે. અંદર પૂર્ણ ભગવાન સ્વરૂપે તું અંદર પડયો છે તેનો મહિમા લાવી તેનો આશ્રય કર જેથી તને સમકિત-પહેલામાં પહેલો ધર્મ-પ્રગટશે અને તે પ્રગટતાં નવીન કર્મબંધ નહિ થાય એમ કહે છે. સમજાણું કાંઇ....?

અહાહા....! કહે છે- ‘કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડૈ બિન ભાયે’