૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ મહા નૃત્ય વડે નાચી રહ્યો છે. હવે કહે છે-એવા બંધને ઉડાડી દેતું સમ્યગ્જ્ઞાન હવે પ્રગટ થાય છે-
પામે છે.
શું કહે છે! કે જે બંધે આખા જગતને રાગ મારો છે એવી ઘેલછાથી ગાંડુ બનાવ્યું હતું તે બંધને ઉડાડી દેતું જ્ઞાન નામ આત્મા-નિત્યાનંદસ્વરૂપ ભગવાન ઉદય પામે છે. અહાહાહા...! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષ કે જે રાગરહિત-બંધરહિત સદા અબંધસ્વરૂપ ભગવાન આત્માને જુએ છે-અનુભવે છે તેને બંધને ઉડાડી દેતું જ્ઞાન ઉદય પામે છે એમ કહે છે. જેને જ્ઞાનમાં સચ્ચિદાનંદસ્વરૂપ નિત્ય અબંધ ભગવાન આત્મા જણાયો તેને જ્ઞાન નામ આત્મા ઉદય પામે છે. શું કરતો થકો? તો કહે છે કે જગત આખાને જેણે ઉન્મત્ત બનાવ્યું છે તેવા બંધને ઉડાડી દેતો-દૂર કરતો થકો. લ્યો, આવી વાતો ભારે; લોકોને લાગે કે આ તો એકલી નિશ્ચયની વાતો છે. તું એમ કહે પ્રભુ! -પણ શું થાય? મારગ તો આ છે બાપા!
અરે! રાગના રસની રુચિમાં એણે ચોર્યાશીના અવતારમાં-કાગડા, કૂતરા, કીડા ને એકેન્દ્રિયાદિ નિગોદના અવતારોમાં અનંત-અનંત ભવ કર્યા છે. અહા! આ બંધે એને ગાફેલ કરી ચારગતિરૂપ સંસારમાં રાગના નાચથી નચાવ્યો છે, રખડાવ્યો છે. અહીં કહે છે-હવે અંતરમાં ઉદય પામેલું જ્ઞાન-સમ્યગ્જ્ઞાન તે બંધને ઉડાડી દે છે. અહાહા...! હું તો રાગના સંબંધથી રહિત અબંધસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ભગવાન છું એવું જેમાં ભાન થયું તે સમ્યગ્જ્ઞાન બંધને ઉડાડી દે છે. આવી વાત છે!
આમાં હવે ઓલું સામાયિક કરવું ને પ્રતિક્રમણ કરવું ને પોસા કરવા ઇત્યાદિ તો આવતું નથી?
ભાઈ! સામાયિક કોને કહેવી એની તને ખબર નથી. તું જેને સામાયિક આદિ કહે છે એ તો રાગ છે. વાસ્તવમાં અંદર જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ આત્મા નિત્ય બિરાજી રહ્યો છે, તેનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થવું અને તેમાં જ ઠરી જવું તેને ભગવાન સામાયિક કહે છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનો પરમ અદ્ભુત આલ્હાદકારી સમરસ પ્રગટ થાય તેને સામાયિક કહે છે.
આત્મા આનંદરસકંદ પ્રભુ છે. તેમાં એકાગ્ર થઈ ઠરતાં આનંદનો-અમૃતનો સ્વાદ પ્રગટ થાય છે; જ્યારે આ પુણ્ય-પાપના રસનો સ્વાદ છે એ તો ઝેરનો સ્વાદ છે. શું કહ્યું? આ પુણ્યભાવનો (પ્રશસ્તરાગનો) જે સ્વાદ છે એ ઝેરનો સ્વાદ છે. એના સ્વાદમાં જગત આખું ગાંડુ થઈ રહ્યું છે. પરંતુ કોઈ પુણ્ય-પાપના રસથી ભિન્ન પડી જ્યાં પોતાના શુદ્ધ ચૈતન્યરસકંદ પરમાનંદમૂર્તિ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ કરે છે ત્યાં