અશુદ્ધ દ્રવ્ય-દ્રવ્ય તો અશુદ્ધ કદી હોતું જ નથી. પણ પર્યાયમાં આ દ્રવ્ય અશુદ્ધ એ અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહ્યું. પરમાં નહિ અને પરથી નહિ એ બતાવવા અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહ્યું છે. તારી સત્તામાં-પર્યાયમાં આ પાંચે ભાવો છે એ અપેક્ષાએ દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહીને વ્યવહારનયનો વિષય કહ્યો. વ્યવહારનયનો વિષય એટલે પર્યાયનો વિષય. અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, વ્યવહારનય કહો કે પર્યાયાર્થિકનય કહો-એ બધું એકાર્થવાચક છે. અશુદ્ધતા તો પર્યાયમાં છે પણ અહીં અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ લીધું? દ્રવ્ય પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ દ્રવ્યની પર્યાય પોતાથી પોતામાં અશુદ્ધ થઈ છે, કર્મથી કે કર્મમાં અશુદ્ધ પર્યાય થઈ નથી એમ સિદ્ધ કરવા દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું છે.
પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાયદ્રષ્ટિથી સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી. અને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. અશુદ્ધ દ્રવ્યાર્થિકનય પર્યાયની સત્તાને બતાવે છે, પણ એનાથી એકરૂપ સ્વભાવભાવ ચિદાનંદમૂર્તિ જ્ઞાયકભાવ નજરમાં આવતો નથી. અને જ્ઞાયકને જાણ્યા વિના અખંડ એક આત્માનું જ્ઞાન કેમ થાય? પાંચ પ્રકારમાં તો આત્મા અનેકરૂપે દેખાય છે. પણ વસ્તુ તો અંદર અખંડ એકરૂપ ત્રિકાળ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વભાવથી ભરપૂર ભરેલી ગોદામ છે. એવા આત્માનું ભેદદ્રષ્ટિ-અંશદ્રષ્ટિ-પર્યાયદ્રષ્ટિથી જ્ઞાન થતું નથી. માટે વ્યવહારનયથી પ્રતિપક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય અર્થાત્ નિશ્ચયનયને મુખ્ય કરી આત્માના એકસ્વભાવને જ્ઞાનમાં ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ માત્ર જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો પિંડ, ઝળહળ જ્યોતિ, એકરૂપ આખું ચૈતન્યબિંબ તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિકભાવોથી રહિત જોવામાં આવે તો પાંચે ભાવોથી જે અનેકરૂપપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. અંદર જે પૂર્ણાનંદસ્વરૂપ, જ્ઞાનઘન, ધ્રુવ જ્ઞાયકભાવ છે એમાં દ્રષ્ટિ કરી આશ્રય કરતાં આ પાંચ પર્યાયરૂપ ભાવો જૂઠા થઈ જાય છે.
બાપુ! આ તો જન્મ-મરણ જેનાથી મટે એની વાત છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે મોક્ષપાહુડ ગાથા ૧૬માં એમ કહ્યું છે કે-“परदव्वादो दुग्गई सद्दव्वादो हु सग्गई होई” -જેટલું લક્ષ પરદ્રવ્ય ઉપર જશે એટલો રાગ ઉત્પન્ન થશે, અને એના ફળમાં ચાર ગતિ મળશે. સિદ્ધગતિ નહીં મળે. ભાઈ, ત્રણલોકના નાથ પણ તારી અપેક્ષાએ પરદ્રવ્ય છે. એના લક્ષથી રાગ જ ઉત્પન્ન થશે, એનાથી પુણ્યબંધ થશે અને એથી સ્વર્ગાદિ મળશે. પણ એ બધી દુર્ગતિ છે. મનુષ્યમાં પૈસાવાળા થાય એ પણ દુર્ગતિ છે. અને સ્વદ્રવ્યના આલંબનથી સુગતિ-સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. બે શબ્દોમાં તો આખો સિદ્ધાંત મૂકી દીધો છે. આ તો અજર-અમર પ્યાલા છે.