પોતામાં જોતો નથી તેથી ચતુર્ગતિભ્રમણરૂપ સંસાર છે. અહીં કહે છે કે આત્મા પોતે એકાંત જ્ઞાનરૂપ, આનંદરૂપ, સહજ સ્વભાવ છે. એ સ્વભાવને મુખ્ય કરી તેનો આશ્રય કરવાથી રાગાદિ સાથે સંયુક્તપણું અભૂતાર્થ-અસત્યાર્થ થઈ જાય છે અને તે ધર્મ છે, મુક્તિમાર્ગ છે.
આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. (૧) અનાદિકાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે. (૨) કર્મના નિમિત્તથી થતા નર-નારકાદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન ગતિરૂપે દેખાય છે. ઘડીકમાં મનુષ્ય તો ઘડીકમાં દેવ ઇત્યાદિ ભિન્ન ભિન્ન ગતિપણે દેખાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. એને ૯૬ હજાર રાણીઓ, ૯૬ ક્રોડ પાયદળ, ૯૬ ક્રોડ ગામ, ૭૨ હજાર નગર, અને હીરાના તો ઘરે પલંગ હતા; પણ આયુષ્ય પૂરું થયું અને બીજી ક્ષણે સાતમી રૌરવ નરકમાં ગયો. અત્યારે સાતમી નરકમાં છે. ભગવાન કહે છે કે મિથ્યાશ્રદ્ધાનું ઘૂંટણ અને અનંતાનુબંધી કષાયને ૭૦૦ વર્ષ સેવીને તેત્રીસ સાગરોપમના આયુષ્યે સાતમી નરકે છે. સાતસો વર્ષના જેટલા શ્વાસ થાય તેમાં એક શ્વાસના કલ્પિત સુખના ફળમાં ૧૧ લાખ ૯૬ હજાર નવસોપંચોતેર પલ્યોપમનું દુઃખ ત્યાં ભોગવશે. ભાઈ! આ તો ભગવાનના માર્ગની ગણતરી પણ જુદી જાતની છે. આ રીતે કર્મના નિમિત્તમાં થવાવાળી નર, નારકાદિ ભિન્ન ભિન્ન પર્યાયોમાં આત્મા દેખાય છે. વર્તમાનમાં સમર્થ રાજા હોય અને બીજી જ ક્ષણે નરકમાં જન્મે. આવું અનંતવાર થઈ ગયું છે. (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે. જ્ઞાનાદિ પર્યાયોમાં હીનાધિકતા થાય છે. પર્યાયમાં હીનાધિકતા થવી એ પર્યાયનો સ્વભાવ છે, તેથી નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી. (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. બીજા દ્રવ્યોમાં નથી એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણભેદ વિશેષ અપેક્ષાએ આત્મામાં છે. એકરૂપ સામાન્ય સ્વભાવમાં એ નથી. (પ) કર્મના નિમિત્તથી થતા મોહ-રાગ-દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહારનયનો વિષય છે. ભાષા જુઓ. અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ કહ્યું? પર્યાયમાં અશુદ્ધતા થઈ છે એ અપેક્ષાએ અશુદ્ધ અને પોતામાં પોતાથી થઈ છે અને પરથી નહિ એ અપેક્ષાએ દ્રવ્યાર્થિક કહ્યું છે. ત્રિકાળ આનંદરૂપ જે પોતે એની પર્યાયમાં જે અશુદ્ધતા છે એ દ્રવ્યનું પોતાનું પર્યાયરૂપ પરિણમન છે. એ પોતામાં છે, બીજા દ્રવ્યમાં નથી અને બીજા દ્રવ્યથી પણ નથી.