Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2496 of 4199

 

૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કારણ છે પણ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી.

શુભભાવ ભલો ને અશુભ બુરો એવા બે ભાગ શુદ્ધ ચૈતન્યના એકાકાર (ચિદાકાર) સ્વભાવમાં નથી. અજ્ઞાનને લઈને મિથ્યાદ્રષ્ટિએ એવા બે ભાગ પાડયા છે. પણ એ વિષમતા છે અને તે બંધનું કારણ છે. ભગવાન સિદ્ધ તો પૂરણ સમભાવે- વીતરાગભાવે પરિણમ્યા છે તેથી ત્યાં કર્મયોગ્ય પુદ્ગલો હોવા છતાં પણ સિદ્ધ ભગવાનને બંધ નથી. માટે કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક બંધનું કારણ નથી.

બીજું, ‘કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયાસ્વરૂપ યોગ) પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો યથાખ્યાત-સંયમીઓને પણ (કાય- વચન-મનની ક્રિયા હોવાથી) બંધનો પ્રસંગ આવે.’

જુઓ, મન-વચન-કાયની ક્રિયાસ્વરૂપ યોગ બંધનું કારણ નથી. જો યોગની ક્રિયા બંધનું કારણ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ બંધ થવો જોઈએ; અકષાયી વીતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે, તો તેને પણ બંધ થવો જોઈએ. અગિયારમે-બારમે ગુણસ્થાને શુક્લધ્યાનમાં પણ મનનું નિમિત્ત છે, મનની ક્રિયા છે, છતાં ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી, કેમકે યોગની ક્રિયા બંધનું કારણ નથી. તેરમે ગુણસ્થાને કેવળીને પણ વચનયોગ છે, કાયયોગ છે, પરંતુ ત્યાં કષાય નથી તેથી બંધ થતો નથી. આ પ્રમાણે સિદ્ધ થયું કે યોગ તે બંધનું કારણ નથી.

ત્રીજું, ‘અનેક પ્રકારનાં કરણો પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો કેવળજ્ઞાનીઓને પણ (તે કરણોથી) બંધનો પ્રસંગ આવે.’

શું કહ્યું? કે જો કરણો બંધનું કારણ હોય તો પૂર્ણ વીતરાગપણે પરિણમેલા કેવળી અરિહંતોને પણ બંધ થવો જોઈએ, કેમકે તેમને કરણો નામ ઇન્દ્રિયો તો છે. પણ એમ બનતું નથી. તેથી સિદ્ધ થયું કે અનેક પ્રકારનાં કરણો બંધનું કારણ નથી. મિથ્યાદ્રષ્ટિને બંધ છે કેમકે રાગથી સંયુક્તપણું જ બંધનું કારણ છે.

ચોથું, ‘સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને (અર્થાત્ જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને) પણ (સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી) બંધનો પ્રસંગ આવે.’

જુઓ, સચિત્ત તથા અચિત્ત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો ઈર્યાસમિતિપૂર્વક પ્રમાદરહિત યત્નાચાર વડે વિચરતા મુનિવરોને પણ બંધ થવો જોઈએ કેમકે તેમને પણ સમિતિપૂર્વક વિચરતાં શરીરના નિમિત્તથી સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત થાય છે. પરંતુ તે મુનિવરોને બંધ થતો નથી તેથી સિદ્ધ થયું કે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત બંધનું કારણ નથી.