સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૧પ તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરવાથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. અર્થાત્ જેના શરીરે તેલ આદિની ચીકાશ છે તેને જ એકને રજબંધ થાય છે, અન્ય કોઈને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત રજબંધનું કારણ નથી.
હવે સરવાળો કહે છે. ‘માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું (-સિદ્ધ થયું) કે, જે તે પુરુષમાં સ્નેહમર્દનકરણ (અર્થાત્ તે પુરુષમાં જે તેલ આદિના મર્દનનું કરવું), તે બંધનું કારણ છે.’
જુઓ, આ ન્યાયના બળથી જ સિદ્ધ થયું કે તે પુરુષમાં જે તેલ આદિનું મર્દન કરવું છે તે જ રજબંધનું કારણ છે. અહીં તેલનું એકલું ચોપડવું એમ ન લેતાં તેલનું મર્દન કરવું એમ લીધું છે કેમકે એમાંથી સિદ્ધાંત બતાવવો છે. શું? કે એકલો રાગ બંધનું કારણ નથી પણ રાગનું મર્દન અર્થાત્ રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું એ બંધનું મુખ્ય કારણ છે. આ દ્રષ્ટાંત થયું.
હવે સિદ્ધાંત કહે છેઃ- ‘તેવી રીતે-મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક (-રાગાદિભાવો) કરતો, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય-વચન- મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપી રજથી બંધાય છે. (ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે?’
શું કીધું? કે આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેને ન ઓળખતાં વર્તમાન અવસ્થામાં જે શુભાશુભ રાગાદિ થાય છે તેને પોતાનું સ્વરૂપ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ પર નિમિત્તાદિ સંયોગ અને સંયોગીભાવમાં રોકાણો છે. અહા! ચૈતન્યસ્વભાવથી જડ દ્રવ્ય તો બાહ્ય જ છે. તથા શુભાશુભ રાગના પરિણામ પણ શુદ્ધ ચૈતન્યથી બહાર છે. તે બાહ્ય ભાવોને જે પોતાના જાણે છે, માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે, અને તે રજથી બંધાય છે. અહીં પૂછે છે કે-રાગથી સંયુક્ત તે બહુ કર્મયોગ્ય રજકણોથી ઠસાઠસ ભરેલા લોકમાં, મન-વચન-કાયની ક્રિયા કરતો અને અનેક કરણો (-હસ્તાદિ) વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો કર્મરજથી બંધાય છે તો ત્યાં તે પુરુષને બંધનું કારણ કયું છે? એનો નિર્ણય કરાવે છે.
‘પ્રથમ, સ્વભાવથી જ જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે.’ પણ એમ છે નહિ; કેમકે લોકાગ્રે બિરાજમાન સિદ્ધ ભગવાનને ત્યાં કર્મયોગ્ય પુદ્ગલો હોવા છતાં કર્મબંધ નથી. કર્મબંધ તો એક રાગથી સંયુક્ત પુરુષને જ થાય છે. માટે ઉપયોગમાં રાગનું સંયુક્તપણું એ જ બંધનું