૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
જીવ પરવસ્તુનો ઘાત કરવાનો ભાવ કરે તે એનું કાર્ય છે, તે એનું કર્મ છે, પરિણામ છે; પણ પરવસ્તુનો ઘાત થાય એ ખરેખર જીવનું કાર્ય નથી. કોઈનો ઘાત થાય તે સમયે કદાચિત્ બીજા કોઈ જીવનો ઘાત કરવાનો ભાવ નિમિત્ત હોય છે તો આણે આનો ઘાત કર્યો એમ ઉપચારથી કહેવાય છે.
અહીં કહે છે-સ્નેહના મર્દનયુક્ત થયેલો પુરુષ બહુ રજભરેલી ભૂમિમાં શસ્ત્રો વડે વ્યાયામ કરતો, અનેક કરણો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો તે રજથી બંધાય છે-લેપાય છે. ‘(ત્યાં વિચારો કે) તેમાંથી તે પુરુષને બંધનું કારણ કયું છે?’ લ્યો, આ સિદ્ધાંત સિદ્ધ કરવો છે. તો હવે આગળ કહે છેઃ-
‘પ્રથમ, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે.’
શું કીધું? કે જે ભૂમિમાં ઘણી રજ છે તેમાં બીજા ઘણા પુરુષો તેલ ચોપડયા વિનાના પણ હોય છે. ત્યાં રજબંધ તો તેલથી મર્દનયુક્ત પુરુષને એકને જ થાય છે, બીજાઓને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચિકાશ જે લાગેલી છે એ જ રજબંધનું કારણ છે, પણ બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ નથી. કેમકે જો બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ હોય તો ભૂમિમાં રહેલા અન્ય તેલની ચિકાશથી રહિત જે પુરુષો છે તેમને પણ રજબંધ થવો જોઈએ.
હવે કહે છે-‘શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. માત્ર જેના શરીરે તેલ આદિની ચીકાશ છે તેને જ રજબંધ થાય છે, અન્યને નહિ. તેથી એમ નક્કી થાય છે કે તેલની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ શસ્ત્રોના વ્યાયામરૂપી ક્રિયા રજબંધનું કારણ નથી.
ત્રીજું, ‘અનેક પ્રકારનાં કરણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારનાં કરણોથી રજબંધનો પ્રસંગ આવે.’ પણ એમ બનતું નથી. અર્થાત્ માત્ર જેના શરીર પર તેલ આદિની ચીકાશ છે તેને જ રજબંધ થાય છે, અન્ય પુરુષોને નહિ. તેથી એમ સિદ્ધ થયું કે તેલ આદિની ચીકાશ જ રજબંધનું કારણ છે, પરંતુ અનેક પ્રકારનાં કરણો રજબંધનું કારણ નથી.
ચોથું, ‘સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત્ત