સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૧૩ દ્રવ્યદ્રષ્ટિ વડે નાશ કર્યો છે અને ત્યારે પ્રગટ થયેલું જે જ્ઞાન તેમાં અનંતજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જણાયો અને તેનું પરિણમન શુદ્ધ નિર્મળ નિરાકુળ આનંદનું પ્રગટ થયું. હવે કહે છે-તે અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા સદાય પ્રગટ રહો. લ્યો, આવી વાત છે!
હવે બંધતત્ત્વનું સ્વરૂપ વિચારે છે; તેમાં પ્રથમ, બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છેઃ-
‘જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના (અર્થાત્ તેલ આદિ ચીકણા પદાર્થના) મર્દનયુક્ત થયેલો,...’
‘આ જગતમાં’ -એમ કહીને જગત સિદ્ધ કર્યું. ‘સ્નેહના મર્દનયુક્ત થયેલો’ એટલે એકલું સ્નેહ નામ તેલ ચોપડેલું એમ નહિ પણ શરીર ઉપર ખૂબ મર્દન કરેલું એમ કહેવું છે. જુઓ, અહીં કોઈ તેલનું મર્દન કરે છે-કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. આ તો દ્રષ્ટાંતમાં તેલના મર્દન વડે ચિકાશવાળો કોઈ પુરુષ છે બસ એટલું જ કહેવું છે. સમજાણું કાંઈ...? શું કીધું? કે-
‘જેવી રીતે-આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના મર્દનયુક્ત થયેલો, સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે (અર્થાત્ બહુ રજવાળી છે) એવી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ (અર્થાત્ શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા) કરતો, અનેક પ્રકારનાં કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, (તે ભૂમિની) રજથી બંધાય છે- લેપાય છે.’
આ તો દાખલો છે. હવે એમાંથી કોઈ કુતર્ક કરીને એમ કાઢે કે-જુઓ, ભૂમિમાં રહ્યો છે કે નહિ? વ્યાયામરૂપી ક્રિયા કરે છે કે નહિ? વ્યવહારે ક્રિયા કરે છે કે નહિ? બાપુ! અહીં એ પ્રશ્ન નથી. અહીં તો એનું દ્રષ્ટાંત લઈને સિદ્ધાંતમાં ઉતારવું છે. હવે દ્રષ્ટાંતમાં પણ ખોટા તર્ક કરીને વાતને ઉડાડી દે એ કેમ હાલે?
અહાહા...! ‘અનેક પ્રકારના કરણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો’ -મતલબ કે સચિત્ત નામ એકેન્દ્રિયાદિ પ્રાણીઓ અને અચિત્ત નામ પથ્થર આદિ પદાર્થોનો ઘાત કરતો-એમ કહ્યું તો કોઈ પરનો ઘાત કરી શકે છે એમ અહીં સિદ્ધ નથી કરવું. આ તો દ્રષ્ટાંતમાંથી એક અંશ સિદ્ધાંતનો કાઢી લેવો છે. દ્રષ્ટાંત કાંઈ સર્વ પ્રકાર સિદ્ધાંત સાથે મળતું આવે એમ ન હોય. ‘કરણો વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો’ -એ તો દ્રષ્ટાંત પૂરતું છે; બાકી આગળ કહેશે કે-‘પરવસ્તુનો જીવ ઘાત કરી શકે નહિ.’ તો એમાં જીવનું શું કાર્ય છે?