૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
તે રાગના સંબંધથી રહિત છે. સમ્યગ્જ્ઞાન પરિગ્રહથી રહિત છે. તેમાં કાંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ-ત્યાગ નથી એવું નિરુપધિ છે. આ પ્રમાણે રાગથી ભિન્ન પડીને ભગવાન આત્મામાં અંતરએકાગ્ર થતાં પ્રગટ થયેલું જ્ઞાન બંધને ઉડાડી દેતું, આનંદામૃતનું નિત્ય ભોજન કરનારું, જાણનક્રિયારૂપ સહજ અવસ્થાને નચાવતું, ધીર, ઉદાર, અનાકુળ અને નિરુપધિ છે. આવું સમ્યગ્જ્ઞાન મહા મંગળ છે.
‘બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે,...’ રાગનું ઉપયોગમાં એકત્વ થવું એનું નામ બંધતત્ત્વ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તેના ઉપયોગમાં-જ્ઞાનમાં વિકારનું-રાગનું એકત્વ થવું તે બંધતત્ત્વ છે જડ કર્મનો બંધ એ તો બાહ્ય નિમિત્ત છે. અહીં કહે છે-એ બંધતત્ત્વે રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે. નાટકની ઉપમા આપી છે ને? હવે કહે છે-
‘તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈ નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કાવ્યમાં પ્રગટ કર્યો છે.’
અહીં કહે છે તે જ્ઞાન મહા મહિમાવંત છે, માંગલિક છે જેણે ઉપયોગ સાથે રાગની એકતાને તોડી નાખી છે અને જે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં આશ્રય પામીને સ્વરૂપમાં એકત્વપણે પરિણમ્યું છે. ઉપયોગમાં રાગનું એકત્વ તે મુખ્યપણે બંધ છે. એવા બંધને ઉડાવી દઈને પ્રગટ થયેલું જ્ઞાન નિરાકુળ આનંદનો નાચ નાચે છે. અહાહા...! પહેલાં રાગના એકત્વમાં જે નાચતું હતું તે જ્ઞાન હવે રાગથી જુદું પડીને નિજ જ્ઞાનાનંદસ્વભાવમાં એકત્વ પામીને આનંદનો નાચ નાચે છે. અહા! આનું નામ સમ્યગ્જ્ઞાન છે અને તે આનંદનું દેનારું અત્યંત ધીર અને ઉદાર હોવાથી મહામંગળરૂપ છે. હવે કહે છે-
‘એવો અનંત જ્ઞાનસ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો.’ અહાહા...! આત્મા અનંત અનંત સામર્થ્યમંડિત અનંત જ્ઞાનસ્વરૂપ દ્રવ્ય છે. એનો જ્ઞાનસ્વભાવ બેહદ, અપરિમિત છે. અહાહા...! જેનો જે સ્વભાવ છે એની હદ શી? ક્ષેત્રથી ભલે શરીર પ્રમાણ હોય પણ એનો સ્વભાવ બેહદ અનંત જ્ઞાનસ્વરૂપ છે. અહીં કહે છે-એવું જ્ઞાનસ્વરૂપ, આત્માને સદા પ્રગટ રહો શું કીધું? આ જેવો પ્રગટ થયો એવો ને એવો સાદિ-અનંત કાળ રહો. એમ કહે છે. સમજાણું કાંઈ...? આ મહા માંગલિક છે.
ઝીણી વાત છે ભાઈ! આ બધી બહારની ક્રિયા કરે તે ક્રિયા વડે બંધ તૂટે એમ છે નહિ. આ તો પર્યાયબુદ્ધિમાં જે વિકારના એકત્વરૂપ પરિણમન હતું તેનો