શુદ્ધનયનો જે વિષય એકરૂપ ચૈતન્યમાત્ર અનંત અનંત ગુણોનો પિંડ આનંદકંદ ભગવાન આત્મા છે એ એકની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પરના સંબંધથી જે રાગાદિ ઉત્પન્ન થાય છે એ રૂપે તે પરિણમતો નથી. અરાગી જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અને અશુદ્ધતા નાશ પામે છે. અને તેથી કર્મ બંધાતાં નથી અને સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવમાં પ્રવૃત્તિ પુષ્ટ થતાં વિકારી પરિણમનથી નિવૃત્તિ થઈ જાય છે અને આત્મા એકલો સિદ્ધ ભગવાન થઈ જાય છે.
અહા! બહારથી ક્રિયા કરતા હોય એને એમ લાગે કે આ તો કોઈ એલ.એલ.બી. ની ઊંચી વાતો છે, પણ એમ નથી. આ તો પહેલા એકડાની વાત છે. જૈનધર્મ એણે સાંભળ્યો નથી. જૈનધર્મ એ કોઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરીને અજ્ઞાન અને રાગદ્વેષને જીતવાં એનું નામ જૈનધર્મ છે.
માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે, જુઓ, ભાષા કેવી લીધી છે? વ્યવહારને ગૌણ કરીને, અભાવ કરીને એમ લીધું નથી. પર્યાય નથી એમ નથી, પણ એ દ્રષ્ટિનો વિષય નથી. તથા શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. શુદ્ધનયનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેનું જ આલંબન લેવાનું કહ્યું છે. ભગવાનની મૂર્તિનું આલંબન એ તો પરનું આલંબન છે. અહીં તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવના આલંબનની વાત છે.
પરવસ્તુ અને આત્માને તો કાંઈ સંબંધ જ નથી. ભાઈ! તારી પર્યાયનું પણ લક્ષ કરવા જેવું નથી તો પરદ્રવ્યનું લક્ષ કરવાનું તો કયાં રહ્યું? પ્રવચનસાર ચરણાનુયોગ અધિકારમાં આચાર્યદેવે લીધું છે કે જ્યારે કોઈ જીવ આત્મજ્ઞાનપૂર્વક વૈરાગ્ય પ્રગટ થવાથી દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તે કુટુંબીજનો પાસે રજા લેવા જાય છે. પિતા પાસે જઈને એમ કહે છે કે-‘આ પુરુષના શરીરના જનકના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી. હવે હું મારી નિર્મળ પર્યાયનો જનક જે અનાદિ-અનંત ત્રિકાળી દ્રવ્ય તેની પાસે જવા માગું છું, મને રજા આપો.’ એવી જ રીતે સ્ત્રી પાસે જઈને એમ કહે છે કે-‘આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતી નથી. હવે હું અનાદિ-અનંત ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જે મારી સ્ત્રી એની પાસે જવા માગું છું.’ હે માતા-પિતા! મારી ચીજ જે મારી પાસે છે એની પાસે હું જવા માગું છું. બહારમાં જે વિકલ્પો ઊઠે છે તે પણ મારી ચીજ નથી, તો પર દ્રવ્યોની સાથે તો મારે સંબંધ જ કેવો?’ આત્માને પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ છે જ નહીં.