હવે આગળ કહે છે કે-વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું (શુદ્ધનયનું) પણ આલંબન રહેતું નથી. પર્યાયમાં જ્યાંસુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાંસુધી દ્રવ્ય તરફ ઝુકાવ કરવાનો રહે છે. દ્રવ્ય પ્રતિ ઝુકાવથી જ્યાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટી જાય પછી દ્રવ્યનું આલંબન કરવાનું રહેતું નથી.
પર્યાયાર્થિક નયને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધનયને સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. પૂર્ણ પ્રાપ્તિ થઈ ગયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. પૂર્ણ દશામાં તો ભેદાભેદનું જ્ઞાન થયા કરે છે. આ કથનથી એમ ન સમજવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ છે. પર્યાયમાં રાગ અને દુઃખ છે એ જૂઠું છે એમ નથી. એ તો દ્રષ્ટિના વિષયને મુખ્ય કરીને, પર્યાયને ગૌણ કરીને જૂઠી કહી છે. અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે, અને તેથી મિથ્યાત્વ આવી જશે. વેદાંત આત્માને સર્વવ્યાપક માને છે અને પર્યાયમાં ભેદ અને અનેકતાને સ્વીકારતો જ નથી. એ મતવાળા સંસારને અવસ્તુ માને છે. એવી માન્યતાપૂર્વક શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાદ્રષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાના શ્રદ્ધાનથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.
પર્યાયનયથી આત્માને જે કર્મનો સંબંધ, રાગ, અનેકતા તથા ગુણભેદ છે તે સત્ય છે, તે અવસ્તુ નથી; પરંતુ તેના લક્ષે સમ્યગ્દર્શનાદિ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનના પ્રયોજનની સિદ્ધિ તો એકમાત્ર અભેદ, અખંડ, એકરૂપ ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કરી આશ્રય કરવાથી થાય છે. તેથી જ દિગંબર સંતોએ પ્રયોજનની- સમ્યગ્દર્શન આદિની સિદ્ધિ હેતુ ત્રિકાળીને મુખ્ય કરી, નિશ્ચય કહી સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. તથા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી અસત્યાર્થ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. આમ છતાં પર્યાય છે જ નહીં એમ માનીને દ્રવ્યનો આશ્રય કરવા જાય તો તે બનતો નથી, કેમકે દ્રવ્યનો આશ્રય તો પર્યાય કરે છે. માટે પર્યાય નથી એમ માનતાં આશ્રય કરવાવાળું કોઈ રહેતું નથી. અને તો પછી જેનો આશ્રય કરવો છે એ દ્રવ્યવસ્તુ પણ દ્રષ્ટિમાં આવતી નથી.
આનંદઘનજી એક ઠેકાણે લખે છે કેઃ-
સુગુરા હોય