ગગનમંડળમાં આત્મા શરીરથી, કર્મથી અને વર્તમાન પર્યાયથી ભિન્ન અધબીચ-અદ્ધર રહેલો છે. એ આખા આત્મામાં અમૃત ભર્યું છે. અંદરમાં અતીન્દ્રિય આનંદથી ભરેલો અમૃતનો સાગર છે. જેને માથે સુગુરુ છે, જેને સુગુરુની દેશના પ્રાપ્ત થઈ છે કે-સત્યાર્થ ચીજવસ્તુ આત્મા અનાકુળ અતીન્દ્રિય સુખથી ભરચક ભરેલો છે, તે એમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી સુખામૃતનું પાન ભરીભરીને કરે છે. પરંતુ જે અજ્ઞાની છે તે બહારમાં-ધન, પૈસા, સ્ત્રી, આબરૂમાં સુખ શોધે છે તેની પ્યાસ બુઝાતી નથી. તે દુઃખી જ રહે છે.
ભાઈ! આત્મા વીતરાગસ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણઆનંદસ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણજ્ઞાનસ્વરૂપ, શ્રદ્ધાની અપેક્ષાએ પૂર્ણશ્રદ્ધાસ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણઈશ્વરસ્વરૂપ આત્મા છે. આવા ભેદો ભેદ અપેક્ષાએ સત્ય છે. છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી પર્યાયદ્રષ્ટિ છે. પર્યાયદ્રષ્ટિ જ્યાંસુધી છે ત્યાંસુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય પરથી દ્રષ્ટિ ઉઠાવી લઈ પૂર્ણાનંદની સત્તાનું-એક અખંડ અભેદ વસ્તુનું અવલંબન લઈ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર. આ સમ્યગ્દર્શનની રીત છે.
આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું. મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. પર્યાયને અસત્યાર્થ કહી તો એ છે જ નહીં એમ ન માનવું. સ્યાદ્વાદને સમજી એટલે પર્યાયને ગૌણ કરીને અસત્ય અને દ્રવ્યને મુખ્ય કરીને તેને સત્ય કહ્યું છે એમ સમજી જિનમતમાં કહેલા એક વીતરાગસ્વરૂપ ત્રિકાળી આત્માનું સેવન કરવું. પર્યાય છે જ નહીં એવી માન્યતા એ જિનમત નથી, તથા પર્યાયનો આશ્રય કરવો એ પણ જિનમત નથી. એ તો મિથ્યાત્વ છે.
આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યે પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધસ્પૃષ્ટાદિરૂપ દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે, પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં બદ્ધસ્પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. કેમકે અભેદમાં પર્યાયનો ભેદ નથી તથા અભેદની દ્રષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. તેથી અભેદનો અનુભવ કરાવવા માટે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે.
વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. શુદ્ધનય હો કે વ્યવહારનય, એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. ત્રિકાળ જ્ઞાનગુણ જેનું લક્ષણ છે એવા દ્રવ્યનો અનુભવ કરીને જે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણજ્ઞાન છે. એ અવયવી છે અને નય તેના અવયવ છે. ભાવશ્રુતપ્રમાણજ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો