એક ભાગ તે નય છે. શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડે જ્ઞાયકને જાણતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (ભાવશ્રુતજ્ઞાન સીધું રાગ કે નિમિત્તની અપેક્ષા વિના સ્વને જાણે છે). શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા એને શ્રુતજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તો નય પણ પરોક્ષ જ છે.
શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત આત્મા બદ્ધ-સ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. આત્મામાં જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન એવા સામર્થ્યરૂપ ચૈતન્યસ્વભાવ પરોક્ષ છે. વળી તેની વ્યક્તિ (શક્તિમાંથી પ્રગટ થવારૂપ વ્યક્તતા) કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે. (મતિ-શ્રુતાદિ જ્ઞાનમાં કર્મનું નિમિત્ત છે) તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. આત્મા વસ્તુ, જ્ઞાન શક્તિમાન ગુણ, એની મતિ-શ્રુત આદિ પ્રગટ વ્યક્તતા ત્રણે આવી ગયાં. એમાં સત્નું સત્ત્વ ભગવાન આત્મા, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવ (ગુણ) પરોક્ષ છે. અને એવા દ્રવ્યનું આલંબન લેવાથી શક્તિમાંથી મતિ-શ્રુતાદિ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્ત છે. પહેલાં કહ્યું કે શુદ્ધનયનો વિષય પરોક્ષ છે, એ તો ત્રિકાળીની વાત કરી. હવે એ ત્રિકાળી ધ્યેયમાં એકાગ્ર થઈને જે મતિ, શ્રુત પર્યાય પ્રગટી એ કથંચિત્ જ્ઞાન-ગમ્ય-જ્ઞાન જ્ઞાનને સીધું પરની મદદ વિના જાણે છે એ અપેક્ષાએ પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે.
અને સંપૂર્ણ જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. શું કહ્યું? કેવળજ્ઞાન પર્યાય પ્રગટ નથી, પણ આ શુદ્ધનય બતાવે છે કે આ સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું છે તે વધીને કેવળજ્ઞાન થશે. ધવલમાં એ પાઠ છે કે-મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. પરોક્ષજ્ઞાનમાં એ પ્રતીતિમાં આવી ગયું છે કે આ મતિ-શ્રુતાદિ પર્યાય વધીને કેવળજ્ઞાન થશે જ. જયધવલમાં પણ લીધું છે કે-કેવળજ્ઞાન અવયવી છે અને મતિ, શ્રુત એના અવયવો છે. અવયવથી અવયવી જાણવામાં આવે છે. થાંભલાની એક હાંસ જોતાં જેમ આખા થાંભલાનો નિર્ણય થઈ જાય છે તેમ આત્મામાં મતિ-શ્રુત અવયવ પ્રગટ થતાં એમાં કેવળજ્ઞાનરૂપ અવયવીની પ્રતીતિ થઈ જાય