છે. છદ્મસ્થને કેવળજ્ઞાન નથી, પણ શુદ્ધનય પરોક્ષપણે એમ બતાવે છે કે આ વર્તમાન વર્તતું જ્ઞાન પૂર્ણ થશે એ કેવળજ્ઞાન છે. શ્રીમદે પણ લીધું છે ને કે-શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છા-ભાવના એની જ છે એ અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું. ઉપરોક્ત ન્યાયે તે પરોક્ષ છે. આવો સર્વજ્ઞનો (સ્યાદ્વાદ) માર્ગ છે.
મતિ-શ્રુતજ્ઞાન એ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિ-શ્રુત એ સાધક છે અને કેવળજ્ઞાન સાધ્ય છે. અષ્ટપાહુડમાં ચારિત્રપ્રાભૃતની ચોથી ગાથામાં તો મોક્ષમાર્ગની-જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયને ‘અક્ષય-અમેય’ કહી છે. સમયસારમાં મતિ-શ્રુતજ્ઞાન એ ‘ઉપાય’ છે અને કેવળજ્ઞાન-મોક્ષ એ ‘ઉપેય’ છે. એમ કહ્યું છે. ‘ઉપાયના’ જ્ઞાનમાં ‘ઉપેય’ ની પ્રતીતિ આવી જાય છે. નવતત્ત્વની પ્રતીતિમાં મોક્ષની પ્રતીતિ આવે છે કે નહીં? નવતત્ત્વની અભેદ શ્રદ્ધામાં મોક્ષની શ્રદ્ધા આવી જાય છે. તત્ત્વાર્થસૂત્રમાં જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એકવચનમાં લીધું છે. જેવું શક્તિમાં જ્ઞાન પૂર્ણ છે એવી આ મતિ-શ્રુત પર્યાય પૂર્ણ થઈ જશે એવી પરોક્ષ પ્રતીતિ શ્રુતજ્ઞાનમાં આવે છે.
હવે કહે છે-જ્યાંસુધી આ નયને (શુદ્ધનયને) જીવ જાણે નહીં ત્યાંસુધી આત્માના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. શુદ્ધનયનો વિષય અખંડ, એક પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા આત્મામાં ઝૂકીને પર્યાય જ્યાંસુધી તેને જાણે નહીં ત્યાંસુધી તેનાં શ્રદ્ધા-જ્ઞાન થતાં નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધ-સ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘન આત્માને જાણી (અંતર્મુખ થઈને જાણી) શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. સંતો પ્રસિદ્ધ કરીને કહે છે કે પૂર્ણજ્ઞાન-ઘનસ્વરૂપ આત્માની દ્રષ્ટિ-શ્રદ્ધા કરો. આ શુદ્ધનય અખંડ, એક, ત્રિકાળી, ધ્રુવ, પરમસ્વભાવ જ્ઞાયકભાવને દેખાડે છે. તેની અંતર્મુખ થઈ શ્રદ્ધા કરો.
અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખ્યે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તરઃ-
દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં-સર્વજ્ઞના શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમ- પ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે, પ્રમાણથી અનુમાન-જ્ઞાનમાં પરિપૂર્ણ ધ્રુવ આત્માને જાણી શુદ્ધનયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું. ભાવશ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે એમાં આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ પ્રત્યક્ષ જણાતા નથી. આ રીતે જ્ઞાનની