પર્યાયમાં અખંડ, અભેદ, પૂર્ણ આત્મા જે જ્ઞેય છે એનું જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું. કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અમને પ્રત્યક્ષ દેખાય તો જ માનીએ એમ એકાંત ન કરવો.
હવે શુદ્ધનયને મુખ્ય કરી કળશરૂપ કાવ્ય કહે છેઃ-
અમૃતચંદ્રાચાર્યદેવ જગતના જીવોને ઉદ્દેશીને કહે છેઃ- ‘जगत् तम् एव सम्यक्स्वभावम् अनुभवतु’ જગતના પ્રાણીઓ એ સમ્યક્ સ્વભાવનો અનુભવ કરો- એટલે પર્યાયમાં એનો સાક્ષાત્કાર કરો, એનું વેદન કરો. સમ્યક્ એમ એક શબ્દમાં તો બાર અંગનો સાર મૂકી દીધો છે. એક ઠેકાણે સ્તુતિકાર ભગવાનની સ્તુતિ કરતાં કહે છેઃ -
નિજસત્તાએ શુદ્ધ, સહુને
નાથ! આપ આખા જગતને નિજસત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખી રહ્યા છો. પ્રત્યેક આત્મા શુદ્ધ પરિપૂર્ણ ભગવાનમયી છે એમ આપના જ્ઞાનમાં દેખી રહ્યા છો.
અહાહા...! ભાઈ, ભગવાને જોયું છે કે તું અંદર પરિપૂર્ણ શુદ્ધ છો ને! તને અપૂર્ણ અને વિપરીત માનતો એ તારું અપમાન છે. (અનાદર છે) જેમ કોઈ અબજપતિને નિર્ધન કહેવો એ એનું અપમાન છે તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને દરિદ્રી માનવો એ એનું અપમાન છે. અહીં કહે છે કે અંદર ત્રિકાળ ધ્રુવ જ્ઞાનાનંદસ્વભાવી અખંડ એકસ્વભાવ આત્મા છે તેનો અનુભવ કરો, એની સન્મુખ જ્ઞાન અને દ્રષ્ટિ કરીને વેદન કરો. આવા સત્યસ્વભાવની પ્રતીતિને સમ્યગ્દર્શન કહે છે. એ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે છે એને અનુભવ કહે છે. આનંદનું વેદન એ અનુભવની મહોર-છાપ-મુદ્રા-ટ્રેડમાર્ક છે. સમયસાર ગાથા પ ની ટીકામાં આવે છે કે-જેમ ડુંગરમાંથી પાણી ઝરે એમ મારો આનંદકંદ ડુંગર આત્મા છે એમાં દ્રષ્ટિ પડતાં મને નિરંતર આનંદ ઝરે છે. એવા આનંદ ઝરતા પ્રચુર સ્વસંવેદનથી મારા નિજવિભવનો જન્મ છે. અનુભવ આનંદના વેદન સહિત જ હોય છે.
ભગવાન આત્મા જ્ઞાન, આનંદ એમ અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આચાર્ય કહે છે કે-એવા આત્માનો સાક્ષાત્કાર કરો, તેથી અતીન્દ્રિય આનંદ થશે. આત્માને છોડીને