૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અહાહા...! પોતાના અમૃતસ્વરૂપ સત્માં તે અસત્ એવા રાગાદિના ઝેરને તે કેમ ભેળવે? અહો! આચાર્યદેવેે કોઈ ગજબની અદ્ભુત ટીકા કરી છે!
અહા! ટીકાકાર આચાર્ય છેલ્લે કળશમાં એમ કહે છે કે- જુઓ! આ ટીકા શબ્દોની બની છે, અમારાથી નહિ; અમે તો જ્ઞાનમાં છીએ. ટીકા કરવાના વિકલ્પમાંય નથી તો પછી ભાષામાં તો કયાંથી આવીએ? અહા! સંતોને ટીકાકાર હોવાનો વ્યવહારે આરોપ આવે તેય ગોઠતું નથી. ત્યાં કળશટીકામાં શ્રી રાજમલજીએ ખુલાસો કર્યો છે કે- ‘ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે. (નિમિત્તપણે) તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી.’ એનો અર્થ જ એ થયો કે તેમને ગ્રંથનું કરવાપણું નથી એમ જ તે યથાર્થ જાણે છે.
કોઈને થાય કે-અધ્યાત્મગ્રંથની આવી સરસ મહાન ટીકા પ્રભુ! આપે કરી ને આપ-હું કર્તા નથી-એમ કહો છો એ કેવી વાત!
સાંભળ ભાઈ! મુનિરાજ એમ કહે છે-એ ભાષાને તો ભાષા કરે; એ ભાષામાં હું ગયો નથી, એ ભાષા મારામાં આવી નથી; તો હું એને કેમ કરું? અરે તે ભાષાના કાળે જે વિકલ્પ ઉઠયો છે તે વિકલ્પનેય મારા ઉપયોગમાં લાવતો નથી; એ વિકલ્પ મારું કર્તવ્ય નથી. લ્યો, આવી વાત છે!
ત્યાં (ત્રીજા) કળશમાં આચાર્યદેવે ના કહ્યું કે ટીકા કરતાં મારી પરમ શુદ્ધિ થજો? ત્યાં એમાં પણ આ જ ન્યાય છે કે ટીકાના કાળમાં મારું જે અંતર્દ્રષ્ટિનું જોર છે તે વૃદ્ધિ પામો, કેમકે ટીકાના વિકલ્પને હું મારા ઉપયોગસ્વભાવમાં ભેળવતો નથી. લ્યો, આવું છે ત્યાં વિકલ્પથી-રાગથી લાભ થાય એ વાત કયાં રહી?
જો રાગાદિને ઉપયોગભૂમિમાં ભેળવતો નથી તો શેમાં છો પ્રભુ? તો કહે છે- ‘ज्ञानीभवन् केवलं’–કેવળ જ્ઞાનરૂપે પરિણમતો થકો જ્ઞાનની એકતામાં છું. અહો! દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. એકલું અમૃત પીરસીેને એની ભૂખ ભાંગી નાખી છે. કહે છે-હું તો જ્ઞાન સાથે એકમેક પરિણમું છું, બીજાની સાથે મને કાંઇ સંબંધ નથી. તેથી કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. લ્યો, ‘નથી જ પામતો’-એમ ‘જ’ કહ્યું છે.
કથંચિત્ અબંધ ને કથંચિત્ બંધ-એમ કહો ને.
હવે સાંભળને બાપુ! એમ નથી. અહો! દેખો! આ સમ્યગ્દર્શનનો અદ્ભુત મહિમા છે.