સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૩૭
‘અહીં સમ્યગ્દ્રષ્ટિનું અદ્ભુત માહાત્મ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય- અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે.’
અહા! જેને પર નિમિત્ત, રાગ ને એક સમયની પર્યાયની રુચિ છૂટી ગઇ છે, કર્મના ઉદયથી મળેલી સામગ્રી પ્રતિ જે નિરભિલાષ છે, ઉદાસીન છે અને જેને જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્માની રુચિ થઇ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમકિતીને જ્ઞાનાનંદસ્વરૂપની જ નિરંતર રુચિ હોવાથી એના જ્ઞાન ઉપયોગમાં રાગ એકપણું પામતો નથી અને તેથી તેને બંધ થતો નથી. પોતાના અબદ્ધસ્પૃષ્ટ ભગવાનનું ભાન થતાં સમકિતીને કોઈ કારણથી બંધ થતો નથી. અહો! આવું આશ્ચર્યકારી સમ્યગ્દ્રષ્ટિનું માહાત્મ્ય છે! સમ્યગ્દર્શનના મહિમાની શી વાત!
સમ્યગ્દ્રષ્ટિને, કર્મ થવાને લાયક રજકણોથી ભરેલો લોક હોય એનાથી બંધન નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ પોતે છે તેને તે આલોકે છે, પોતાનો લોક છે તેને તે આલોકે છે તેથી તેને બંધન નથી. વળી મન-વચન-કાયની ક્રિયા જે છે એ પણ એને બંધનનું કારણ નથી, કેમકે એ સર્વ એના જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે છે; મન-વચન-કાયની ક્રિયામાં એને રુચિ નથી. અહો! સમ્યગ્દર્શન એટલે શું એની લોકોને ખબર નથી. આ બાહ્ય ત્યાગ કંઇક કરે એટલે માને કે ત્યાગી થઇ ગયો. પણ બાપુ! સર્વ સંસારનો (- રાગનો) ત્યાગ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે અને પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ ન થાય ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ જ છે; બહારથી ભલે ત્યાગી હોય પણ ખરેખર તે ત્યાગી છે જ નહિ.
સમ્યગ્દ્રષ્ટિને યોગની ક્રિયા હોય તોપણ તે બંધનું કારણ નથી, કેમકે તેમાં એની રુચિ નથી, તેમાંથી એની રુચિ ઉડી ગઇ છે. ચેતન-અચેતનનો ઘાત પણ એને બંધનું કારણ નથી. ભારે ગજબ વાત છે! પંચેન્દ્રિય જીવોનો ઘાત થાય, હાથી-ઘોડા-મનુષ્ય મરે તોપણ ત્યાં એને રુચિ નથી ને! અંતરમાં તે પ્રતિ અત્યંત ઉદાસીન પરિણામ છે તેથી એ ઘાત તેને બંધનું કારણ નથી. વાસ્તવમાં એ બધી ક્રિયાઓ તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે ભાસે છે, તે એનો કરનારો થતો નથી.
અજ્ઞાની કાયા ને કષાયને પોતાનાં માને છે. તે ભલે છકાયની હિંસામાં વર્તમાન પ્રવૃત્ત ન દેખાતો હોય તોપણ ભગવાન કહે છે કે તે છકાયની હિંસા કરનારો છે. અહા! જેણે પોતાના અશરીરી ભગવાનને શરીરી માન્યો છે અને અકષાયીને કષાયયુક્ત માન્યો છે, તે ભલે બહારથી મુનિ થઇ ગયો હોય, હજારો રાણીઓ છોડી હોય અને જંગલમાં રહેતો હોય તોપણ તે હિંસાનો કરનારો જ છે કેમકે તેને નિરંતર પોતાના ચૈતન્યનો ઘાત-હિંસા થયા જ કરે છે. અહા! જેણે કષાયની મંદતાના દયાના ભાવ પણ પોતાના માન્યા તેણે અકષાયી ચૈતન્યસ્વરૂપને રાગયુક્ત માન્યું;