૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ એ તો મહામૂઢ પ્રગટ મિથ્યાદ્રષ્ટિ છે. અહા! ત્રણ લોકના નાથની વાણીમાં તો આ આવ્યું છે ભાઈ!
જો પરને જિવાડવાનો અભિપ્રાય મિથ્યાત્વ છે તો પરને જિવાડવું તે દયા છે ને દયા છે તે ધર્મ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
સમાધાનઃ– દયા છે તે ધર્મ છે એ તો સત્ય છે; પણ કોની દયા? સ્વદયા અર્થાત્ અંતરંગમાં રાગરહિત વીતરાગ નિર્વિકાર પરિણામની ઉત્પત્તિ તે ધર્મ છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (શ્લોક ૪૪ માં) એ જ કહ્યું છે કે-નિશ્ચયથી રાગાદિની ઉત્પત્તિ ન થવી તે અહિંસા નામ સ્વદયા છે. ધવલમાં પણ આવે છે કે દયા એ જીવનો સ્વભાવ છે; પણ એ કઇ દયા? એ સ્વદયાની વાત છે, પરદયાની નહિ. નિશ્ચય સ્વદયારૂપ ધર્મ જેને પ્રગટયો છે તે ધર્માત્માને બહારમાં પર જીવોની રક્ષાના ભાવ આવે છે, તેને નિશ્ચયના સહચર જાણી વ્યવહારથી ધર્મ કહેવામાં આવે છે; પરંતુ તે પરદયાના ભાવ વાસ્તવમાં તો પુણ્યભાવ છે, પુણ્યબંધનું કારણ છે, ધર્મ નથી. તથાપિ તેને ધર્મ જાણી કોઈ પરને જિવાડવાનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. સમજાણું કાંઈ...!
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. તેને જેવો ને જેવડો છે તેવો ને તેવડો ટકતો માનવો-સ્વીકારવો તેનું નામ અહિંસા છે. પરંતુ એનાથી વિપરીત તેને અલ્પજ્ઞ, અધુરો ને રાગવાળો માનવો તે મિથ્યાત્વ છે, સ્વરૂપની હિંસા છે. શું કહ્યું? પોતે જીવતત્ત્વ પૂરણ જ્ઞાતા-દ્રષ્ટા છે. તેને તેવો ન સ્વીકારતાં હું પરને મારવાવાળો ને જિવાડવાવાળો એમ માનવું તે સ્વરૂપને નકારવારૂપ નિશ્ચય હિંસા છે; અને તે કાળે પરઘાત થવો તે વ્યવહારે હિંસા છે.
અરેરે! અનંતકાળથી ૮૪ના અવતારમાં રખડતો એ જીવ મિથ્યાત્વને લઇને રખડે છે હોં. અહા! મિથ્યાત્વને લઇને પ્રભુ! તેં એટલાં અનંત-અનંત જન્મ-મરણ કર્યાં કે તારા મરણ પછી જે અનંતી માતાઓએ આંસુ સાર્યાં એનાથી સમુદ્રોના સમુદ્રો ભરાઈ જાય. ભગવાન! તું એ બધું ભૂલી ગયો છે કેમકે તને અનાદિ-અનંત તત્ત્વનો વિચાર નથી. પણ એ બધા અનંત ભવ મિથ્યાત્વને લઇને છે ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર, મિથ્યાત્વ એ જ પાપ, મિથ્યાત્વ એ જ આસ્રવ ને મિથ્યાત્વ એ જ ભાવબંધ છે. મિથ્યાત્વ ગયા પછી જે ચારિત્રમોહસંબંધી રાગ છે તેને અહીં ગણતરીમાં નથી લેવો કેમકે એ તો નિર્જરી જવા ખાતે છે અને પરજ્ઞેયપણે છે. જેને રાગમાં એકત્વબુદ્ધિ છે તેને જ રાગનો સદ્ભાવ છે એમ કીધું છે. માટે મિથ્યા અભિપ્રાયને છોડી ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે તેની રુચિ કરવી.