સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૪૧
હવે કહે છે-‘માટે કથનને નયવિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું તે તો મિથ્યાત્વ છે’
પરને મારવાનો અભિપ્રાય હોય છતાં, શાસ્ત્રમાં પરઘાતથી જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે માટે હું પરને મારું તો મને બંધ નથી એમ ન માની લેવું. એમ માનવું એ મિથ્યાત્વ છે, બંધપદ્ધતિ છે. જ્ઞાનીને તો પરજીવને મારવાનો કે જિવાડવાનો અભિપ્રાય જ નથી; એને તો હું ચૈતન્યઘન પ્રભુ પૂરણ જ્ઞાતા-દ્રષ્ટા છું એમ અભિપ્રાય છે. તે કદીય જ્ઞાનમાં પરનું-રાગનું એકત્વ કરતો નથી.
અહાહા...! એણે શાનાં અભિમાન કરવાં પ્રભુ? આ સુંદર રૂપાળું શરીર મારું ને આ છોકરાં મારાં ને સંપત્તિ મારી એમ અભિમાન કરે છે પણ બાપુ! એ કે દિ’ તારાં છે? બાપ કોનો ને છોકરો કોનો? ને કોની આ ચીજ બધી? આ શરીર, બાયડી, છોકરાં, ધનસંપત્તિ વગેરે પ્રગટ પરવસ્તુ છે. વળી એ બધાં છોડી જંગલમાં જાય તો માને કે મારે બધાં હતાં તે મેં છોડી દીધાં. ભાઈ! આવો પરમાં એકપણાનો ભાવ-અભિપ્રાય મિથ્યાત્વ છે; તથા રાગના એકત્વનો ભાવ પણ મિથ્યાત્વ છે.
અહા! જેને શુદ્ધ ચૈતન્યનું અવલંબન થયું છે ને રાગનું અવલંબન મટી ગયું છે તે જ્યાં હો ત્યાં આત્મામાં છે. કદાચ તે ચક્રવર્તીના રાજવૈભવમાં બેઠેલો બહારથી દેખાતો હોય તોપણ તે આત્મામાં છે, બહારમાં છે જ નહિ. આવી વાત છે.
જ્યારે મારવાનો અભિપ્રાય કરે, રાગની રુચિમાં રહે ને માને કે મને પરઘાતથી બંધ નથી કેમકે હું પરને મારી શકતો નથી તો તે એની સર્વથા એકાંત માન્યતા છે. અને તે મિથ્યાત્વ જ છે. વાસ્તવમાં તે નયવિભાગને સમજતો નથી. એણે તો પોતાના જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવને હણ્યો છે માટે એને બંધ થશે જ. સમજાણું કાંઈ...?
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને કાવ્ય કહે છેઃ-
‘तथापि’ તથાપિ (અર્થાત્ લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) ‘ज्ञानिनां निरर्गलं चरितुम् न ईष्यते’ જ્ઞાનીઓને નિરર્ગલ (- મર્યાદારહિત, સ્વચ્છંદપણે) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું.
અહાહા...! શું કહે છે? કે આ લોક, મન-વચન-કાયાનો યોગ, પર જીવનો ઘાત વગેરે કારણોથી બંધ કહ્યો નથી પણ રાગાદિકથી જ બંધ કહ્યો છે. રાગાદિકથી એટલે રાગ છે તે હું છું એવી એકત્વબુદ્ધિથી બંધ કહ્યો છે. રાગનું અસ્તિત્વ રાગમાં