સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૪પ તેને બંધ નથી કેમકે તેને બંધનું કારણ જે રાગાદિનો સદ્ભાવ તેનો અભાવ છે; જ્યારે કર્તા થાય તેને અવશ્ય બંધ થશે કેમકે તેને રાગાદિનો સદ્ભાવ છે. અહા! રાગાદિને પરની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે જ. આવી વાત છે.
“જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે.” આવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
‘य जानाति सः न करोति’ જે જાણે છે તે કરતો નથી ‘तु’ અને ‘यः करोति अयं खलु जानाति न’ જે કરે છે તે જાણતો નથી.
શું કહ્યું? કે જે કોઈ આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, અનુભવે છે તે કરતો નથી. કરતો નથી એટલે કે પોતામાં રાગને કરતો નથી. લ્યો, રાગને કરતો નથી તો પછી પરની ક્રિયા કરવાની તો વાત જ કયાં રહી?
ત્યારે કોઈ પંડિતો વળી કહે છે કે-આત્મા પરનું કરે; પરનો કર્તા ન માને તે દિગંબર નહિ.
અરે ભાઈ! આ શું થયું છે તને? આ તો મહા વિપરીતતા છે, નરી મૂઢતા છે. અહીં તો મહાન દિગંબરાચાર્ય એમ કહે છે કે-જેણે એકલા જ્ઞાન અને આનંદનો સમુદ્ર વિજ્ઞાનઘન પ્રભુ આત્માને પર્યાયમાં ભાળ્યો-અનુભવ્યો તે રાગને-વિકલ્પને કરતો નથી. અહા! જેને તત્ત્વદ્રષ્ટિ સમ્યક્ પ્રગટ થઇ તે દ્રષ્ટિની પર્યાયનો કર્તા છે પણ રાગનો કર્તા નથી.
ભગવાન આત્મા એકલા જાણગ-જાણગ સ્વભાવનું દળ પ્રભુ નિત્ય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. આવા પોતાના સ્વરૂપનું ભાન થઇને જેને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મ પ્રગટયો એ ધર્મી જીવને, હજુ પૂરણ વીતરાગ થયો નથી ત્યાં સુધી વ્યવહારરત્નત્રયનો શુભ વિકલ્પ હોય છે, પણ તે એ શુભ વિકલ્પને પોતાનામાં કરતો નથી, તેને માત્ર જાણે છે એમ કહે છે. અહા! જે જાણે છે તે કરતો નથી. ગજબ વાત પ્રભુ!
વળી ‘જે કરે છે તે જાણતો નથી.’ શું કહ્યું? કે હું દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો કરનારો એમ જે વ્યવહારધર્મના-વ્યવહારરત્નત્રયના શુભરાગને કરે છે તે જાણતો નથી. જાણતો નથી એટલે શું? કે જે રાગને પોતામાં કરે છે તે અજ્ઞાની જીવ પોતાનો એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી આત્મા છે તેને જાણતો નથી. અહા! કરે છે તે જાણતો નથી. રાગને કરે છે તે રાગરહિત શુદ્ધ આત્માને જાણતો નથી. અહા! આ તો જૈનદર્શનનું પરમ અદ્ભુત રહસ્ય છે.