સમયસાર ગાથા ર૪ર થી ર૪૬] [૪૯
અરે! અનાદિકાળથી મિથ્યાત્વને પડખે ચઢેલો તે દુઃખી છે. એ મોટો તવંગર શેઠ થયો, મોટો રાજા થયો, મોટો દેવ થયો પણ એમાં બધેય એ મિથ્યાત્વને લઈને દુઃખી જ દુઃખી રહ્યો છે. ભાઈ! આ બધા કરોડપતિ શેઠિયા મિથ્યાત્વને લઈને દુઃખી જ છે. પણ હું જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્ય મહાપ્રભુ છું એમ જ્યારે ભાન થાય ત્યારે તે નિરાકુળ આનંદ અનુભવે છે. કેમકે ત્યારે એને રાગ જે દુઃખ છે તેની સાથે એકત્વબુદ્ધિ નથી. ભાઈ! આ તો ન્યાયથી-લોજીકથી સમજે તો સમજાય એવું છે. અહા! પોતે હું જ્ઞાનાનંદસ્વભાવી છું એમ જ્યાં સમ્યગ્દર્શનમાં ભાન થયું ત્યાં પછી સ્વભાવથી વિપરીત વિભાવમાં તેને એકત્વ કેમ રહે? વિભાવ મારું કર્તવ્ય છે એવી દ્રષ્ટિ તેને કેમ હોય? અહા! રાગ થાય ખરો, હોય ખરો, તોપણ જ્ઞાની રાગમાં નથી, જ્ઞાનમાં છે, સ્વભાવના ભાનમાં છે.
આમાંય લોકોની મોટી તકરાર! શું? કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચય પ્રગટ થાય. અરે પ્રભુ! તું શું કહે છે ભાઈ? વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે એ શુદ્ધ ચૈતન્યસ્વભાવથી-વીતરાગસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. તો વિરુદ્ધ એવા રાગનો કર્તા થાય એને અકર્તાપણું (-વીતરાગતા) કઈ રીતે પ્રગટ થાય? કોઈ રીતે ન થાય. અહીં તો રાગના કર્તૃત્વને મિથ્યા અધ્યવસાય કહી તે નિયમથી મિથ્યાદ્રષ્ટિઓને હોય છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ....?
અહા! જ્ઞાનીને કર્મરાગ નથી, અજ્ઞાનમય અધ્યવસાય નથી. તેથી જ્ઞાની કદાચિત્ લડાઈમાં ઊભો હોય તોપણ તેને રાગ (-રાગની રુચિ) વિદ્યમાન નથી તેથી તેને બંધ નથી; જ્યારે અજ્ઞાની મુનિ થયો હોય, છકાયની હિંસા બહારમાં કરતો-કરાવતો ન હોય તોપણ અંદરમાં વ્યવહારના રાગ સાથે એકત્વ હોવાથી તેને રાગ (-રાગની રુચિ) વિદ્યમાન છે તેથી તેને અવશ્ય બંધ થાય છે. લ્યો, એ જ કહ્યું છે કે-
‘च’ અને ‘सः बन्धहेतुः’ તે બંધનું કારણ છે. અહા? કર્મરાગ કે જે અજ્ઞાનમય અધ્યવસાય છે તે બંધનું કારણ છે. હવે આવું સાંભળવુંય કઠણ પડે તેને તે સમજવું તો ક્યાંય દૂર રહી ગયું. શું થાય? બિચારો અજ્ઞાનઅંધકારમાં અટવાઈ જાય!