સમયસાર ગાથા રપ૧-રપર] [૬૯ રક્ષા કરવાનો હેતુ જ્ઞાનીનો છે નહિ; કેમકે પરની રક્ષા તે કરી શકતો નથી. તીવ્ર પ્રમાદનો અભાવ છે તેથી ઈર્યા સમિતિ આદિમાં પરની રક્ષાનો જે શુભરાગ થાય છે તેને વ્યવહારે દયા કહી છે. વાસ્તવમાં સમિતિ-ગુપ્તિથી ધર્મ એટલે સંવર અને પર જીવોની રક્ષા કરવી એ સંવર-નિર્જરા-એમ છે નહિ. હવે લોકોને આ આકરું પડે છે, પણ શું થાય?
અહા! અહીં તો એમ પૂછયું છે ને કે-પરને હું જિવાડું ને પર મને જિવાડે એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તો કહે છે કે-‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે.’ હવે આમાં એક તો ‘સર્વજ્ઞદેવો કહે છે-’ એ વ્યવહાર છે અને બીજું ‘આયુકર્મથી જીવે છે’-એ પણ વ્યવહાર છે. એ તો ખરેખર પોતાની યોગ્યતાથી જ જીવે છે, પણ બીજો કોઈ જિવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે તો નિમિત્તથી કહ્યું કે આયુકર્મના ઉદયથી જીવે છે. આ વ્યવહારનું વચન છે. આયુકર્મ તો જડ છે, અને આનું રહેવું-જીવવું તો પોતાના ઉપાદાનની યોગ્યતાથી છે; પણ તે કાળે આયુકર્મનો ઉદય નિયમરૂપ નિમિત્ત હોય જ છે, તેથી પર જીવ આને જિવાડે છે એવી ખોટી માન્યતાનો નિષેધ કરવા આયુકર્મને લઈને જીવે છે એમ વ્યવહારથી કહ્યું છે. બાપુ! વ્યવહારના કથનને યથાર્થ ન સમજે તો વાતે વાતે વાંધા ઉઠે એવું છે. (બિચારો વાંધા-વિવાદમાં જ અટવાઈ જાય.)
ભાઈ! ચારિત્ર-દોષ જુદી ચીજ છે ને શ્રદ્ધા-દોષ જુદી ચીજ છે. ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી અને ઋષભદેવ ભગવાન ૮૩ લાખ પૂર્વ સુધી રાગમાં ને ભોગમાં ગૃહસ્થપણે રહ્યા. પણ ભોગમાં સુખ છે ને ભોગની ક્રિયાનો હું કર્તા છું એવી બુદ્ધિ પહેલેથી જ (સમ્યગ્દર્શનના કાળથી જ) ઉડી ગઈ હતી. અહા! ભોગસંબંધી રાગનાં રસ- રુચિ ઉડી ગયાં હતા; તેમને રાગનું કર્તાપણું ઉડી ગયું હતું. ગૃહસ્થદશામાં પણ તેઓ જ્ઞાતા-દ્રષ્ટા જ હતા, કેમકે સ્વભાવનું તેમને નિરંતર અવલંબન હતું.
હવે કહે છે-‘તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી, તો હે ભાઈ! તેં તેમનું જીવિત (જીવતર) કેવી રીતે કર્યું?’
શું કહે છે? કે પરજીવો પોતાના આયુકર્મથી જીવે છે. હવે તેને જો તેં જિવાડયા, તો શું તે મરી જવાના હતા ને તેં આયુષ્ય દઈને જિવાડયા છે? તું એને આયુકર્મ તો દેતો નથી તો એને જીવતદાન-અભયદાન કઈ રીતે આપ્યું? નિશ્ચયથી તો પોતાની રાગરહિત વીતરાગસ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે તેની દ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો તે અભયદાન છે; તે આત્મરૂપ છે. અને પરની રક્ષાનો વિકલ્પ ઉઠે છે તેને વ્યવહારે અભયદાન કહેવાય છે. વાસ્તવમાં કોઈ કોઈને જિવાડે છે, કે તું પરને જિવાડે છે એમ છે નહિ.