૭૦] [પ્રવચન રત્નાકર ભાગ-૮
હવે બીજી (૨પ૨મી) ગાથાનો અર્થઃ- ‘જીવ આયુકર્મના ઉદયથી જીવે છે-એમ સર્વજ્ઞદેવો કહે છે; પર જીવો તને આયુકર્મ તો દેતા નથી, તો હે ભાઈ! તેમણે તારું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું?’
બીજો તને આયુકર્મ તો દેતો નથી, તો તેણે તને કેવી રીતે જિવાડયો? બીજો તને જિવાડી શકે જ નહિ. આ સિદ્ધાંત છે. તેને સિદ્ધ કરવા જીવ આયુકર્મથી જીવે છે એમ વ્યવહારથી અહીં કહ્યું છે. પાણીમાં માખી પડી હોય એને કોઈ માણસ ઉપાડી લે એટલે એણે માખીને જીવતર આપ્યું એવી માન્યતા, અહીં કહે છે, અજ્ઞાન છે. એવો વિકલ્પ હોય, પણ એ વિકલ્પ એના જીવતરનો કર્તા નથી માટે તે મિથ્યા છે. જીવ તો પોતાની તે કાળની યોગ્યતાથી આયુકર્મના ઉદયના નિમિત્તે બચે છે; કોઈ અન્ય તેને બચાવે છે એવી માન્યતા ખરેખર અજ્ઞાન છે.
‘પ્રથમ તો, જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (-થવું) અશક્ય છે.’
શું કહે છે? આ જગતના જીવો જીવે છે તે પોતાના આયુકર્મના કારણે જીવે છે’ કોઈ બીજો એને જિવાડી શકે છે એમ નથી.
‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે.’ હવે આમાંથી લોકો કાઢે કે-જુઓ, જીવ આયુકર્મ વડે જીવે છે, અને તમે ના પાડો છો. આ ચોક્ખો પાઠ તો છે?
અરે ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. બીજો કોઈ એને જિવાડી શકતો નથી એમ સિદ્ધ કરવું છે તો આયુકર્મના ઉદયથી જ જીવે છે એમ કહ્યું છે. બાકી આયુકર્મ તો જડ છે અને જીવનું રહેવું-જીવવું છે એ તો ચૈતન્યનું ચૈતન્યમાં રહેવું છે. બે ચીજ જ ભિન્ન છે ત્યાં કર્મ જીવને શું કરે? કાંઈ ન કરે. જીવ આ જડ શરીરમાં રહે છે તે તો પોતાની યોગ્યતાથી રહે છે, જડ આયુકર્મના કારણે રહે છે એમ કહેવું એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહારનું કથન છે.
અહા! એણે જાણવું પડશે કે પોતે કોણ છે? અહા! ભગવાન! તું ચિદાનંદઘન પ્રભુ એક ચૈતન્યસ્વરૂપ છો ને? શુદ્ધ ચૈતન્યપ્રાણો વડે સદા જીવિત ચૈતન્યનો પિંડ પ્રભુ છો ને? એનું જીવિત બીજો કોણ કરે? એ બીજાથી કેમ જીવે? એનું જીવન આયુકર્મને લઈને છે એ તો નિમિત્તનું કથન છે. બીજો કોઈ-બીજા જીવો કે નોકર્મ આદિ-એને જિવાડી શકે એવી ખોટી માન્યતાનો નિષેધ કરવા એ આયુકર્મને લઈને જીવે છે એમ અહીં કહ્યું છે. અહા! અહીં નિમિત્તથી કથન કરીને નિમિત્ત સિદ્ધ નથી કરવું પણ બીજો કોઈ એને જિવાડી શકે નહિ એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ...?