Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2551 of 4199

 

સમયસાર ગાથા રપ૧-રપર] [૭૧

‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે.’ અહા! આમાં શૈલી શું છે તે બરાબર જાણવી જોઈએ. ‘પોતાનું આયુકર્મ’ એટલે શું? શું આયુકર્મ જીવનું છે? આયુકર્મ તો જડનું છે. ભાઈ! એ તો સંયોગથી-નિમિત્તથી કથન છે. વળી ‘ખરેખર આયુકર્મના ઉદયથી જ’-એમ શબ્દો છે, એટલે બીજા કોઈ એમાંથી એમ કાઢે કે કર્મથી જ થાય તો એમ નથી. ભાઈ! આ તો જીવિતમાં આયુકર્મનો ઉદય જ નિયમરૂપ નિમિત્ત હોય છે (બીજા પ્રકારનાં નિમિત્તો હોવાનો નિયમ નથી) એમ જાણી ‘આયુકર્મના ઉદયથી જ’ એમ કહ્યું છે; બાકી દેહમાં આત્મા પોતાની યોગ્યતાથી જ રહે છે, ત્યાં આયુકર્મ માત્ર નિમિત્ત છે બસ.

અહા! હું બીજા જીવોનું જીવતર કરી શકું છું, તેમને પાળું-પોષું છું, તેમને નિભાવું છું, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ બધાનો જીવનદાતા છું ઈત્યાદિ માન્યતા અજ્ઞાન છે. આ સિદ્ધ કરવા ‘જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે’-એમ કહ્યું છે.

વળી કહે છે-‘પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું અશક્ય છે.’ શું કહે છે? પોતાનું આયુષ્યકર્મ ન હોય અને બીજો જીવતર કરાવી દે એમ કદીય બનવું શક્ય નથી. એ તો પોતાનું આયુકર્મનો ઉદય હોય ત્યાંસુધી જ જીવે. (દેહમાં રહે). અહીં આયુકર્મ તો જડનું છે. એને પોતાનું-જીવનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે.

હવે કહે છે-‘વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. (-મેળવાય છે).’

લ્યો, આવે છે ને ઇતિહાસમાં કે-બાદશાહ બાબરે એનું આયુષ્ય એના પુત્ર હુમાયુને આપ્યું એટલે હુમાયુ મરતો હતો તે બચી ગયો ને બાબર મરી ગયો. ભાઈ! એ તો બધી નિરાધાર લોકવાયકા, બાકી આયુષ્ય કોણ આપે? (ભગવાનેય ન આપી શકે). આવું ને આવું બધું લોકમાં તૂતે-તૂત હાલે છે અહીં કહે છે-પોતાનું આયુકર્મ બીજાને દઈ શકાતું નથી અને બીજાનું આયુકર્મ પોતાને બીજો દઈ શકતો નથી. અહા? પોતાનું આયુકર્મ પરસ્પર દઈ શકાતું નથી, કેમકે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.

જોયું? વળી પાછું નિમિત્તથી કથન આવ્યું. જડ આયુકર્મ જે બંધાય છે એ તો જડ પુદ્ગલના પરિણામ છે અને તેમાં તે કાળે જીવના પરિણામ હતા તે નિમિત્ત છે. આ ભવ પહેલાં પૂર્વે જે આયુષ્ય બાંધીને આવ્યો તે એના (-પોતાના) પરિણામથી જ બંધાણું છે. એટલે શું? કે તે કાળે જીવના (પોતાના) પરિણામ એવા હતા કે જે પ્રકારે આયુકર્મની પર્યાય સ્વયં એના કારણે બંધાઈ એમાં એ પ્રકારે જ જીવના પરિણામનું નિમિત્ત હતું.