Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2552 of 4199

 

૭ર] [પ્રવચન રત્નાકર ભાગ-૮

ભગવાન! તું આત્મા છો ને પ્રભુ! તને જે પરિણામ આયુષ્ય બંધાવામાં નિમિત્ત છે તે પરિણામ ખરેખર તારી (-ચૈતન્યની) જાતના નથી; એ તો બંધના પરિણામ છે. અહા! તેં તારી જાતને ભૂલીને તે પરિણામ કર્યા હતા ત્યારે તેના નિમિત્તે આયુકર્મ સ્વયં એના કારણે બંધાણું હતું. તેથી તે પરિણામના નિમિત્તે ઉપજેલું કર્મ, પોતાના પરિણામથી જ બંધાણું છે એમ કહેવામાં આવે છે. જોકે આયુકર્મની સ્થિતિ તો એના પરમાણુની યોગ્યતાથી એના સ્વકાળે સ્વયં થઈ છે, એમાં જીવના પરિણામ નિમિત્ત હતા. તેથી ‘તે (આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’-એમ નિમિત્તથી કહેવામાં આવે છે. હવે શાસ્ત્રમાં આવાં કથન હોય તે સમજે નહિ એટલે નિમિત્તથી થાય, નિમિત્તથી થાય- એમ ચોંટી પડે, પણ શું થાય?

આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છે. એમાં અજ્ઞાનપણે જે વિકારી પરિણામ કર્યા તેના નિમિત્તે આયુની સ્થિતિ બંધાણી છે, આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આયુ બંધાવા ટાણે પોતાના જે પરિણામ હતા તે નિમિત્ત અને આયુષ્ય બંધાણું તે નૈમિત્તિક. આ પ્રમાણે નિમિત્તના સંબંધમાં થયેલી દશા-પર્યાયને નૈમિત્તિક કહે છે. ન્યાય સમજાય છે? એ નિમિત્તથી નૈમિત્તિક થયું એમ કહેવું તે વ્યવહારનું કથન છે. હવે આમાં કોની સાથે ચર્ચા કરે? (નયવિભાગ સમજે નહિ અને જિદ કરે ત્યાં કોનાથી ચર્ચા કરવી?) શાસ્ત્રમાં તો આવું બધું ખૂબ આવે છે-કે કર્મથી આ થયું ને કર્મથી તે થયું. જુઓ, અહીં છે ને કે-‘તે (-પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.’ અહી તો આટલું જ સિદ્ધ કરવું છે કે પોતાના પરિણામના નિમિત્તથી જે આયુકર્મ બંધાણું તેના કારણે પોતે (- જીવ) જીવી રહ્યો છે, પણ કોઈ બીજો એને જિવાડી શકે છે એમ છે નહિ, કારણ કે બીજાનું આયુષ્ય બીજો કોઈ દઈ શકતો નથી. બાકી કર્મ આત્માનું છે ક્યાં? અને આત્માના પરિણામથી કર્મ ક્યાં નીપજ્યું છે? એ તો બધો વ્યવહારનય છે, બાકી નિશ્ચયથી કર્મ આત્માનું નથી અને જીવ-પરિણામથી કર્મ નીપજ્યું નથી. આવી વાતુ છે.

વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! નયનું વાસ્તવિક જ્ઞાન ન હોય તેને આ વાત નહિ બેસે. શાસ્ત્રમાં આધાર બધા આપ્યા છે, પણ તેનું ત્યાં શું પ્રયોજન છે તે બરાબર સમજવું જોઈએ. અમુક વાત સિદ્ધ કરવા વ્યવહારથી પણ કથન હોય, તેને પ્રયોજન વિચારી સમજવું જોઈએ. અહીં કહ્યું કે- ‘પોતાનું આયુકર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’- તો એમાં શું સિદ્ધ કરવું છે? એટલું જ કે બીજો બીજાને પોતાનું આયુકર્મ દઈ શકે નહિ, અર્થાત્ કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. જુઓ, એ જ કહે છે-