સમયસાર ગાથા રપ૧-રપર] [૭૩
‘માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી હું પરને જિવાડું છું અને પર મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિયતપણે) અજ્ઞાન છે.’ અધ્યવસાય એટલે મિથ્યા અભિપ્રાય, માત્ર રાગ એમ નહિ, અહીં તો રાગની એકતાબુદ્ધિવાળા અભિપ્રાયને અધ્યવસાય કહ્યો છે અને તે સંસારનું-બંધનું કારણ છે. સમજાણું કાંઈ....?
‘પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.’ અહાહા....! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેમાં રાગનું કે પરનું કરવું-એ છે જ નહિ. જેને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું અંદરમાં ભાન થયું છે તે ધર્મી જીવ પરની ક્રિયાને પર તરીકે જાણે છે, પણ પરની ક્રિયા હું કરી શકું એમ માને નહિ. અહા! તેને જે શુભાશુભ પરિણામ થાય એનો પણ ધર્મી કર્તા નથી, માત્ર જ્ઞાતા- દ્રષ્ટા છે, કેમકે જ્ઞાતા-દ્રષ્ટા (-અકર્તા) એ એનો સ્વભાવ છે અને તે સ્વભાવને અવલંબી રહ્યો છે. એને પ્રમાદને લઈને બીજાને ‘જિવાડું, મારું’ એમ વિકલ્પ થાય, પણ ત્યાં તેને, બીજાને જિવાડી શકું છું કે મારી શકું છું-’ એવો અભિપ્રાય -અધ્યવસાય નથી. વિકલ્પ આવ્યો છે તેનો એ જાણનાર માત્ર રહે છે. સામા જીવનું આયુ શેષ છે તો તે જીવે છે, હું તો નિમિત્તમાત્ર છું એમ તે યથાર્થ જાણે છે.
ભાઈ! આ એક જ સિદ્ધાંત લક્ષમાં રાખે કે-‘દરેક દ્રવ્યની પર્યાય સ્વકાળે તેના ક્રમબદ્ધ સ્થાનમાં થાય છે.’ -તો સર્વ કર્તાપણાનું મિથ્યા અભિમાન ખલાસ થઈ જાય. જીવનું જીવિતપણું છે તે તેના સ્વકાળે ક્રમબદ્ધ જ છે એમ જાણનાર તે જીવના જીવિતનો કર્તા થતો નથી, તેમ પોતાને જિવાડવાનો જે વિકલ્પ થયો તેનો પણ કર્તા થતો નથી; તે તો તેનો (પરના જીવિતનો ને પોતાના વિકલ્પનો) જાણનાર-દેખનાર માત્ર રહે છે. આમ રાગના અને પરની ક્રિયાના જાણનાર-દેખનારપણે રહેવું એનું નામ ધર્મ છે.
એ પૂર્વે મરણના અધ્યવસાયથી કહ્યું હતું તેમ અહીં પણ યથાર્થ જાણવું કે- નિશ્ચયથી પોતાથી પરનું જીવિત કરી શકાતું નથી. અને પરથી પોતાનું જીવિત કરી શકાતું નથી. નિશ્ચયે કોઈ કોઈનું જીવિત કરી શકે નહિ, છતાં (કરી શકે) તેમ માનવું તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આનાથી આનું જીવિત થયું એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનું કથન છે એમ યથાર્થ સમજવું.