૭૬] [પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ છે, પણ પોતાને રાગનું કર્તાપણું ઉડી જાય છે ને પોતે માત્ર જ્ઞાતા-દ્રષ્ટાપણે રહી જાય છે. આ પ્રમાણે બે સિદ્ધાંત નક્કી થયા-
૧. વસ્તુમાં પ્રત્યેક પરિણમન સ્વકાળે ક્રમબદ્ધ જ થાય છે. ૨. સ્વના આશ્રયે જ ધર્મ થાય છે. ભાઈ! આ વસ્તુની સ્થિતિ છે. આમાં ન્યાય સમજાય છે કાંઈ? ‘ન્યાય’માં ‘ની- નય્’ ધાતુ છે. નય્ એટલે દોરી જવું-જેવી વસ્તુની સ્થિતિ છે તેના પ્રતિ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય છે.
અહા! કહે છે-પર જીવોને પ્રતિકૂળ સામગ્રી દઈને તેને દુઃખી કરું-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. કેમ? કેમકે પ્રતિકૂળ સામગ્રી તો એના અભ્યંતર પાપના ઉદયના કારણે આવે છે. ભાઈ! આ પણ નિમિત્તનું કથન છે; કેમકે પાપનો ઉદય ભિન્ન ચીજ છે અને પ્રતિકૂળ સામગ્રી ભિન્ન ચીજ છે. બેયના દરજ્જા ભિન્ન છે, બન્ને ભિન્ન ભિન્ન છે. જુઓ, અહીં એને પાપનો ઉદય છે, અને તે જ કાળે એને પ્રતિકૂળ સામગ્રીનું તેના પોતાના કારણે આવવું છે. આવો પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે તેને જોઈને પાપના ઉદયના કારણે એને પ્રતિકૂળ સામગ્રી આવી એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે.
તેવી જ રીતે હું બીજાને આહાર, પાણી, ઔષધ ઇત્યાદિ આપીને સુખી કરું-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. કેમકે અનુકૂળ સામગ્રી તો એના પુણ્યના ઉદયના કારણે આવે છે. આ પણ નિમિત્તનું કથન છે, કેમકે પુણ્યનો ઉદય અને અનુકૂળ સામગ્રી બન્ને જુદી જુદી ચીજ છે. અહીં એને પુણ્યનો ઉદય હોય તે કાળે અનુકૂળ સામગ્રીનું આવવું એના પોતાના કારણે થાય છે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જોઈને પુણ્યના ઉદયથી અનુકૂળતા મળી, સુખ થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહા! વીતરાગનું નિરાલંબી તત્ત્વ એકલા ન્યાયથી ભરેલું છે, પણ તે અંતરના પુરુષાર્થ વડે જ પામી શકાય એમ છે.
જેને એવો અધ્યવસાય છે કે ‘હું બીજાને સુખી કરી દઉં’ તેને અધ્યવસાય બંધનું કારણ છે; શુભ-પુણ્યબંધનું કારણ છે તોપણ તે બંધનું જ કારણ છે, જરાય નિર્જરાનું કારણ નથી. તથા ‘બીજાને હું દુઃખી કરી દઉં’, એવો જે અધ્યવસાય છે તે પાપબંધનું કારણ છે. ત્યાં બીજાને જે સુખ-દુઃખ થાય તે તો તેના અંતરંગ પુણ્ય-પાપના ઉદયના કારણે છે, આના અધ્યવસાયના કારણે નહિ. ભાઈ! બીજો બીજાને સુખી-દુઃખી કરી શકે છે-એમ છે જ નહિ. આ વાત અત્યારે ચાલતી નથી એટલે લોકોને કઠણ પડે છે, પણ શું થાય? એને બિચારાને તત્ત્વની ખબર નથી કે શું આત્મા, શું પરિણામ ને શું બંધન? આંધળે-બહેરું કૂટે રાખે છે. પણ ભાઈ! એનાથી સંસાર મળશે; ઇષ્ટ-અનિષ્ટ સંજોગ મળશે, પણ આત્મા નહિ મળે.