Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2568 of 4199

 

૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કેમકે તું તેમ કરી શકતો નથી. જીવ મરે કે ન મરે તે તો તેના આયુકર્મને લઈને છે. આયુનો ઉદય હોય તો ન મરે, જીવે; ઝેરના પ્રસંગમાં પણ જીવે, અને આયુનો ક્ષય થયો હોય તો મરે; જિવાડવાનો પ્રયત્ન હોય છતાં મરે. આયુકર્મના ઉદયે જીવે ને આયુકર્મના ક્ષયથી મરે એમ કહેવું એ પણ વ્યવહાર છે. વાસ્તવમાં તો જીવની દેહમાં રહેવાની સ્થિતિની જેટલી યોગ્યતા હોય તેટલો કાળ તે દેહમાં રહે અને ત્યારે આયુકર્મના ઉદયનું નિયમથી નિમિત્ત છે તેથી આયુકર્મથી જીવે છે એમ વ્યવહારથી કહેવાય છે. તે જ પ્રમાણે સ્થિતિ પૂરી થતાં દેહ છૂટે ત્યારે આયુકર્મના ક્ષયથી મર્યો એમ વ્યવહારથી કહેવાય છે. અહા! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ!

આ વસ્તુસ્થિતિ છે, છતાં જેઓ પરથી પરનાં જીવન, મરણ, સુખ-દુઃખ માને છે તેઓ અહંકારરસથી કર્મો કરવાના ઇચ્છક છે. છે ને પાઠમાં કે-‘अहंकृतिरसेन कर्माणि चिकिर्षवः’ તેઓ અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છક છે. આવો અર્થકાર શ્રી જયચંદજીએ બરાબર ચોકખો અર્થ કર્યો છે. પરનું કરવું, પણ એનો અહંકાર ન કરવો-એમ નહિ; પણ હું પરનું કાર્ય કરું છું એવા અહંકારરસથી ભરેલા પરનાં કાર્ય કરવાની ઈચ્છાવાળા તેઓ મૂઢ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે એમ વાત છે. હું પરનું કરું છું-એ માન્યતા જ અહંકારરસયુક્ત મિથ્યાત્વ છે ભાઈ! શાસ્ત્રના અર્થ કરવામાં ફેર એ આખો દ્રષ્ટિનો ફેર છે બાપુ!

ઘરમાં દસ-વીસ માણસ હોય ને આ એકલો રળતો હોય એટલે માને કે હું બધાંને પોષું છું. પણ એમ નથી હોં. અહીં કહે છે-તું બીજાને પોષી શકે જ નહિ. હું સૌને પોષું- એમ મફતનો અહંકાર કરીને તું તારા મિથ્યાત્વ ને કષાયને પુષ્ટ કરે એ બીજી વાત છે, બાકી બીજાનું પોષણ તું ત્રણકાળમાં કરી શકતો નથી. ઘરમાં સ્ત્રી હોય તે દાળ-ભાત- શાક-રોટલી ઇત્યાદિ બરાબર કરીને ટાણે આપે, રોટલી ઉની-ઉની કરીને થાળીમાં પીરસે એટલે આ માને કે મારી સગવડ બરાબર સાચવે છે. પણ ભાઈ! એ તારી માન્યતા સાવ મિથ્યા છે. ભાઈ! એ રોટલી આદિ કોણ કરે? ને કોણ થાળીમાં પીરસે? એ તો પુદગલના રજકણો પોતાના કારણે તે તે કાળે રોટલી આદિરૂપે પરિણમે છે અને પોતાની પર્યાયથી ત્યાંથી ખસીને થાળીમાં જાય છે; સ્ત્રી તો તેમાં નિમિત્તમાત્ર છે. ત્યાં તું એમ માને કે સ્ત્રીએ મને સગવડ આપી તો તે તારી માન્યતા મિથ્યા છે, કેમકે બીજો બીજાનું કામ-કાર્ય કરી શકતો જ નથી. અહા! આવો ભગવાન જિનેશ્વરનો માર્ગ સમજવો બહુ કઠણ બાપા!

આ શેઠિયાઓને ઘણાં અભિમાન હોય, -એમ કે અમને પાંચ-દસ કરોડ રૂપિયા છે એનાથી આટલા બધા નોકરોને નિભાવીએ છીએ. ધૂળેય નથી, સાંભળને. શું રૂપિયા તારા છે? અને શું પરનાં (શરીરાદિનાં) કાર્ય તું કરી શકે છે? અહા! હું પરનું કરું છું એમ મિથ્યા અભિમાન કરે, પણ પરનું એ કદીય કરી શકતો નથી.