સમયસાર ગાથા રપ૪ થી રપ૬ ] [ ૯૧ સાંભળ્યો ન હોય એટલે તને નવો લાગે, પણ આ તો મૂળ સનાતન માર્ગ છે જેને કુંદકુંદ આદિ સંતોએ અહીં પ્રસિદ્ધ કર્યો છે.
અહા! બાપુ! તેં અનંતકાળમાં પરનાં કામ કર્યાનાં મિથ્યા અભિમાન કર્યાં છે. બાકી તું પોતાની (ચૈતન્ય) સત્તાને છોડીને શું પરની સત્તામાં પ્રવેશ કરે છે કે તું પરનાં કાર્ય કરી શકે? તારું હોવાપણું જે છે તે શું પરનાં હોવાપણામાં જાય છે કે તું પરનું કરી શકે? ના; કદીય નહિ. તો પછી તું પરનાં કામ કરી શકતો જ નથી એ ન્યાય છે. ભાઈ! આ વીતરાગ પરમેશ્વરનો મારગ ન્યાયથી છે. કોઈને ન બેસે એટલે કાંઈ સત્ય બદલાઈ જાય! અહા! આ તો વીતરાગના ન્યાયથી સિદ્ધ થયેલી વાત! તે કદી ન બદલાય બાપુ!
જુઓ, સંવત ૧૯૯૭ માં મુંબઈથી એક મોટા વકીલ આવ્યા હતા. તે કહેતા હતા કે-કોઈ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એમ આપ કહો છો પણ (હાથ લાંબો કરીને કહે) દેખો, આ હું કરી શકું છું કે નહિ?
અહા! પ્રભુ! તને આ શું થયું? એ (હાથ લાંબો થયો તે) કોણે કર્યું એની તને ખબર નથી ને માને છે કે મેં કર્યું? બાપુ! એ હાથના રજકણો તો પોતે પોતાથી તે કાળે એ દશારૂપ થયા છે, તેમાં તારા આત્માએ કાંઈ કર્યું નથી. આત્મા તો એનો જાણનાર વા અહંકાર કરનાર છે, પણ એ જડની ક્રિયાનો કરનાર તો કદીય નથી. અહા! અમે પરની- દેશની, સમાજની સેવા કરીએ છીએ, આંધળા-બહેરાં-મૂગાં લોકોની શાળાઓ ચલાવીએ છીએ, સારાં સારાં મકાનો બનાવીએ છીએ, મોટાં કારખાનાં ચલાવીએ છીએ ઇત્યાદિ પરનાં કામ કરવા સંબંધી બધી માન્યતા મૂઢ મિથ્યાદ્રષ્ટિની છે. અરે ભાઈ! કોણ કોની સેવા કરે? કોણ મકાનો બનાવે? કોણ કારખાનાં ચલાવે? એ બધું પુદ્ગલનું કાર્ય એના પરમાણુથી થાય છે; એને આત્મા કદીય કરી શકતો નથી.
અહા! દેવાધિદેવ અરિહંત પરમાત્મા જૈન પરમેશ્વરની આ આજ્ઞા છે કે-ભાઈ! તું પરનું કાંઈ કરી શકતો નથી. આ પાંપણ હાલે છે ને? એ પાંપણને પણ તું હલાવી શકતો નથી; કેમકે એ તો જડ પુદ્ગલ-માટી છે, તે આમ-તેમ થાય છે એ જડ પરમાણુની ક્રિયા તો એના પોતાના કારણે થાય છે. હવે એને બદલે હું એને કરું છું એમ માને એ મિથ્યા અહંકાર છે. અહીં કહે છે-
નિશ્ચયથી પરના જીવન-મરણને, પરનાં સુખ-દુઃખને હું કરું છું એમ જેઓ દેખે છે તેઓ મિથ્યા અહંકારથી ભરેલા પરનાં કામ કરવાની વાંછાવાળા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે અને ‘આત્મહનઃ’-આત્માનો ઘાત કરનારા છે. આત્માનો ઘાત કરનારા છે એટલે શું? કે આત્મા ત્રિકાળ ધ્રુવ વસ્તુ છે તે તો જેવી છે તેવી છે, તેનો તો ઘાત થતો નથી, પણ પર્યાયમાં તેની શાંતિ હણાય છે. હું આને (-પરને) કરું છું એવા