૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહીં કહે છે-જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. એટલે શું? કે બીજો કોઈ એને મારી કે જિવાડી શકતો નથી, બીજો કોઈ એને દુઃખી-સુખી કરી શકતો નથી. જે મરે છે તે ખરેખર પોતાના આયુકર્મના ક્ષયથી જ મરે છે, કોઈ બીજાનો માર્યો મરે છે એમ છે જ નહિ. વળી જે જીવે છે તે ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ જીવે છે, કોઈ બીજાનો જિવાડયો જીવે છે એમ છે જ નહિ. તેવી જ રીતે આહાર, વસ્ત્ર, પાત્ર, ધન આદિ અનુકૂળ સામગ્રી વડે જે સુખી થાય છે તે શાતાવેદનીયના ઉદયથી જ સુખી થાય છે અને રોગ આદિ પ્રતિકૂળતા વડે દુઃખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી જ દુઃખી થાય છે. એને કોઈ બીજો સુખી-દુઃખી કરે છે એમ છે નહિ. આવી વસ્તુવ્યવસ્થા છે.
અહીં, ‘ખરેખર કર્મના ઉદયથી જ’-એમ લીધું છે ને? તો કોઈ વળી કહે છે- જુઓ, કર્મને લઈને થાય છે કે નહિ?
અરે ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી વાત કરી છે. ‘બીજો બીજાનાં જીવન- મરણ, સુખ-દુઃખ કરી શકે છે’-એવા અભિપ્રાયનો નિષેધ કરવા ‘ખરેખર કર્મના ઉદયથી જ’ જીવનું જીવવું-મરવું તથા સુખી-દુઃખી થવું થાય છે એમ અહીં કહ્યું છે. બાકી જીવ જીવે છે તે પોતાની દેહમાં રહેવાની સ્થિતિની યોગ્યતાથી જ જીવે છે અને જીવ મરે છે તે પણ તેના દેહ-વિયોગની તે કાળે યોગ્યતા છે તેથી મરે છે. આયુકર્મના ક્ષયથી મરે છે ને આયુકર્મના ઉદયથી જીવે છે એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે.
તેવી રીતે બહારના આહારાદિ અનુકૂળ સંયોગો આવે છે તે તો એના પોતાના કારણે પોતાથી આવે છે ને તેમાં શાતાના ઉદયનું નિમિત્ત છે તથા રોગ આદિ પ્રતિકૂળ સંયોગો આવે છે તે પણ એના પોતાના કારણે આવે છે ને એમાં અશાતાના ઉદયનું નિમિત્ત છે. અહા! બહારના સંયોગો-રજકણે રજકણ-પોતાની જે તે અવસ્થા સહિત આવવાના હોય તે જ આવે છે અને તે કાળે શાતા કે અશાતાનું નિમિત્ત હોય છે; પણ નિમિત્તના કારણે સંયોગ આવે છે એમ નથી. લોકમાં કહે છે ને કે-‘દાણે દાણે ખાનારનું નામ છે;’ મતલબ કે જે રજકણો જેના સંયોગમાં જવાના છે તે પ્રતિનિશ્ચિતપણે તેના સંયોગમાં જવાના જ છે; કોઈ બીજો બીજાને સંયોગ આપે વા એના સંયોગ બદલી દે એમ છે જ નહિ.
એ પરમાણુ-આહાર-ઔષધાદિના રજકણો-જે આવવા યોગ્ય હોય તે તેના કાળે સંયોગમાં પોતાની યોગ્યતાથી જ આવે છે અને તેમાં આને શાતાનું નિમિત્ત હોય છે. હવે ત્યાં બીજો એમ કહે કે-‘આ હું દઉં છું’ તો કહે છે-એમ નથી. ‘એ ભૂખથી પીડાતો હતો ને મેં એને શીરો ખવડાવ્યો’-એમ કોઈ માને તો કહે છે કે