Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2578 of 4199

 

૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કર્તા થાય તે અજ્ઞાની છે. પરનાં કાર્ય કરવાનો અભિપ્રાય સેવે છે તે જાણનાર રહેતો નથી. પણ જે કર્તા થતો નથી તે જાણનાર રહે છે અને તે જ્ઞાની છે. અહા! હું તો એક જ્ઞાનસ્વરૂપ છું, પરનાં કાર્યો તો પરથી-એનાથી થાય, હું તો એનો જાણનાર માત્ર સાક્ષી છું એમ જાણવામાત્રપણે પરિણમે તે જ્ઞાની છે.

અહાહા......! આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. તેના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો આ ઉપાય છે. શું? કે- પરની ક્રિયા હું કરી શકતો નથી, પરનાં જીવન-મરણ કે સુખ દુઃખ હું કરી શકતો નથી, પરનાં કાર્યો પરમાં પરથી થાય, હું તો જાણનાર-દેખનારમાત્ર છું-એમ જાણવા-દેખવામાત્રપણે પરિણમવું તે સાચા આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. ભાઈ! કરવાનો અભિપ્રાય એ તો બોજો-દુઃખ છે, અને જાણવાપણે રહેવું એમાં નિરાકુળ આનંદ છે. જ્ઞાની સદા નિરાકુળ આનંદની મોજમાં રહે છે.

* ગાથા રપ૭–રપ૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાડયું જીવતું નથી, સુખી-દુઃખી કર્યું સુખી- દુઃખી થતું નથી; તેથી જે મરવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે.

આ પુરુષો બધા સ્ત્રી-પુત્ર-પરિવારને જિવાડે છે કે નહિ? અને આ બધા શેઠિયા નોકરોને જિવાડે છે કે નહિ?

ભાઈ! કોણ જિવાડે? હું પરને જિવાડું-એવો અહંકાર છે એ તો મિથ્યાત્વશલ્ય છે. એ શલ્યના કારણે ભગવાન! તું નરક નિગોદના ને કીડી-કીડાના અનંત-અનંત ભવ કરીને મરી ગયો છે. ભાઈ! તારા અપાર-પારાવાર દુઃખને જોનારા પણ કંપી ઊઠે એવા તેં દુઃખ સહન કર્યાં છે. એ દુઃખ કેમ કહ્યાં જાય? ભાઈ! એ દુઃખથી ઉગરવું હોય તો સુલટી જા, પરનાં કાર્ય કરું-એ અભિપ્રાય છોડી દે. આ છોકરાંને પાળું-પોષું, મોટા કરું ને સુખી કરું-એ વાત જવા દે અને અંદર જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે તેમાં જા, તને અતીન્દ્રિય સુખ થશે.

અહા! કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. તેથી જે બીજાને મારવા-જિવાડવા આદિનો અભિપ્રાય કરે છે તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે. આ નિશ્ચયનું વચન છે એટલે આ સત્યાર્થ છે. અહીં વ્યવહારનય ગૌણ છે. આણે આને માર્યો-જિવાડયો એમ વ્યવહારથી કહેવાય પણ વસ્તુસ્વરૂપ એમ નથી. તેથી અહીં વ્યવહારનય ગૌણ છે. આવી વાત છે.

હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-