સમયસાર ગાથા ૨પ૭-૨પ૮ ] [ ૯૯
અસત્યદ્રષ્ટિ છે તેને ‘यઃ एव अयम् अज्ञानात्मा अध्यवसायः द्रश्यते’ જે આ અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે ‘सः एव’ તે અધ્યવસાય જ, विपर्ययात्’ વિપર્યયસ્વરૂપ હોવાથી, ‘अस्य बन्धहेतुः’ તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
અહાહા...! શું કહે છે? કે મેં આને જિવાડયો, આ બધાં છોકરાંને પાળી-પોષીને મોટાં કર્યાં, ભણાવ્યાં-ગણાવ્યાં, સારા સંસ્કાર દઈને સંસ્કારી કર્યાં-ઈત્યાદિ બધો અજ્ઞાનરૂપ અધ્યવસાય છે.
જુઓ, જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે.
ત્યારે કોઈ વળી કહે છે- બીજાને મારવા જિવાડવાનો અધ્યવસાય એટલે અભિપ્રાય બંધનું કારણ છે, અર્થાત્ જે એકત્વબુદ્ધિ હોય તે બંધનું કારણ છે, પણ એવો ભાવ નહિ.
અરે ભાઈ! અધ્યવસાયનો અર્થ ભાવ પણ થાય ને એકત્વબુદ્ધિ થાય-એમ એના બે અર્થ થાય છે.
ત્યારે તે કહે છે- જિવાડવાનો ભાવ છે એ તો પ્રશસ્ત જ છે, એનું ફળ પણ પ્રશસ્ત જ છે. (એટલે કે એનું ફળ મોક્ષ છે)
પ્રવચનસારમાં શ્રાવકના અધિકારમાં (ગાથા રપપ માં) ‘रागो पसत्थभूदो ‘એમ આવે છે. ત્યાં આશય એમ છે કે જે પ્રશસ્ત પદ (તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ આદિ પદ) મળે છે તે એને (-સમ્યગ્દ્રષ્ટિને) પ્રશસ્તરાગ-સ્વરૂપ શુભોપયોગથી મળે છે, લ્યો, આમાંથી તે આવો અર્થ કાઢે છે કે- પ્રશસ્તરાગથી પ્રશસ્તપદ મળે અને એ પદથી મોક્ષ થાય; માટે પ્રશસ્તરાગ બંધનું કારણ નથી. પરંતુ ભાઈ! પ્રશસ્તરાગ પણ છે તો બંધનું જ કારણ. અહીં સમ્યગ્દ્રષ્ટિના પ્રસંગમાં એ ગૌણ છે એ બીજી વાત છે.
વળી કોઈ લોકો એમ કહે છે કે-સમયસારના પુણ્ય-પાપ અધિકારમાં (ગાથા ૧૪૭માં) જે શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે તે જડકર્મની વાત છે, શુભાશુભ ભાવ સાથે રાગ અને સંસર્ગનો નિષેધ નથી કર્યો.
અરે ભાઈ! શાસ્ત્રમાં (સ. ગા. ૧પ૩ માં) અમૃતચંદ્રાચાર્યે ‘કર્મ’ શબ્દનો અર્થ કરતાં વ્રત, નિયમ, શીલ, તપ, વગેરે બધાને કર્મ કહ્યું છે. વળી પ્રશસ્ત રાગના હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય- એમ ચાર ભેદનો નિષેધ કરીને શુભાશુભ કર્મ એક જ છે એમ સિદ્ધ કર્યું છે. એટલે શુભાશુભ પરિણામ પણ કર્મ કહેવાય છે અને એનું બંધન પણ કર્મ કહેવાય છે. ભાઈ! શાસ્ત્રના અભિપ્રાય સાથે પોતાની દ્રષ્ટિ કેળવવી જોઈએ. પોતાની દ્રષ્ટિએ શાસ્ત્રના ઊંધા અર્થ કરે એ તો મહા વિપરીતતા છે.