૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અધ્યવસાયના આટલા અર્થ છે.ઃ- જે પરિણામ સ્વ-પરના એકત્વના અભિપ્રાય સહિત હોય અથવા વૈભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. કોઈ ઠેકાણે સ્વ-પરની એકત્વબુદ્ધિ સહિત હોય તે પરિણામને અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય અથવા મિથ્યા અભિપ્રાય કહેવામાં આવે છે.
વળી કોઈ ઠેકાણે એકલા (સ્વપરની એકત્વબુદ્ધિ રહિત) પરિણામ હોય તેને પણ અધ્યવસાય કહેવામાં આવે છે; અને
કોઈ ઠેકાણે નિર્મળ (શુદ્ધ) પરિણામ માટે પણ અધ્યવસાય શબ્દ વપરાયો છે. અહીં કહે છે-જે આ અજ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જોવામાં આવે છે તે અધ્યવસાય વિપર્યયસ્વરૂપ-મિથ્યા હોવાથી તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાઈ! આને (-પરને) હું મારી-જીવાડી શકું કે સુખી-દુઃખી કરી શકું, સુખ- દુઃખનાં સાધનો દઈ શકું’-એ બધી આત્માના જ્ઞાનસ્વરૂપથી તદ્ન વિપરીત માન્યતા છે; આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ હોવાથી તેને વિભાવ પરિણામ કહો કે અધ્યવસાય કહો-એ અધ્યવસાય જ મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
ભાઈ! હું પરને જિવાડું-એમ અધ્યવસાય તું કરે પણ ત્રણકાળમાં એમ કરી શકે નહિ. એનું આયુ હોય તો જીવે ને ન હોય તો ન જીવે; પણ તારું જિવાડયું જીવે એમ ત્રણકાળમાં બની શકે નહિ. આ શેઠિયાઓ બહુ ધનવાન હોય અને ઘણા નોકરો રાખે ને માને કે અમે બધાને નભાવીએ છીએ તો કહે છે-ધૂળેય નભાવતો નથી તું, સાંભળને. ‘હું પરને નભાવું છું’-એ માન્યતા જ તારી જૂઠી છે, કેમકે જગતની પ્રત્યેક વસ્તુ સ્વતંત્ર છે.
અહાહા...! ભગવાન તું સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અખંડ એક જ્ઞાનમાત્ર વસ્તુ સ્વતંત્ર છો. તને ખબર નથી પ્રભુ! પણ તું શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર અંદર સદા પરમાત્મસ્વરૂપે શાશ્વત બિરાજમાન છો. અહા! તારા આનંદ-સુખની પ્રાપ્તિ પ્રભુ! તારાથી જ (સ્વના આશ્રયથી જ) થાય છે; પણ પર મને સુખી કરશે કે પરને કંઈક દઉં તો હું સુખી થઈશ એ માન્યતા જ મિથ્યા શલ્ય છે, બંધનું કારણ છે સમજાણું કાંઈ...?