Pravachan Ratnakar (Gujarati). Gatha: 259.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2581 of 4199

 

ગાથા–૨પ૯

एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं।। २५९।।

एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति।
एषा ते
मूढमतिः शुभाशुभं बध्नाति कर्म।। २५९।।

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-

આ બુદ્ધિ જે તુજ–‘દુખિત તેમ સુખી કરુ છું જીવને’,
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨પ૯.

ગાથાર્થઃ– [ते] તારી [या एषा मतिः तु] જે આ બુદ્ધિ છે કે હું [सत्त्वान्] જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि इति] કરું છું, [एषा ते मूढमतिः] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ) [शुभाशुभं कर्म] શુભાશુભ કર્મને [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– ‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું’ એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.

ભાવાર્થઃ– મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.

* * *
સમયસાર ગાથા ૨પ૯ઃ મથાળું

હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨પ૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પર જીવોને હું હણું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું-એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને છે, તે જ પોતે રાગાદિરૂપ હોવાથી તેને (- મિથ્યાદ્રષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.’

આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાનસ્વભાવ માત્ર વસ્તુ છે. એમાં આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહના, પાપ ને પુણ્યના પરિણામ થાય તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.