૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા...! અનંત-અનંત ગુણોનું ગોદામ પ્રભુ આત્મા છે. તેમાં જેમ જાણગ- જાણગ-જાણગ એવો એક જ્ઞાનસ્વભાવ ગુણ છે તેવો કર્તાસ્વભાવ એક ગુણ છે, જે પોતાની શુદ્ધ નિર્મળ વીતરાગી પરિણતિને કરે છે. શું કીધું? આત્મામાં એક અનંતસામર્થ્યયુક્ત કર્તા નામનો ગુણ છે જે પોતાની નિર્મળ નિર્વિકાર પરિણતિનો-કર્મનો કરનારો છે વળી એમાં જેના વડે નિર્મળ નિર્વિકાર રત્નત્રયરૂપ કર્મ નામ કાર્ય થાય એવો કર્મ નામનો પણ ગુણ છે, અહાહા...! પોતામાં કર્મ નામ કાર્ય થાય એવો આત્મામાં કર્મ નામનો ગુણ છે. અહાહા...! પરને લઈને કર્મ નામ કાર્ય થાય એ વસ્તુસ્વભાવ જ નથી. હવે આવું સાંભળવાય મળે નહિ એને ધર્મ-નિર્મળ કર્મ ક્યાંથી થાય?
આ શુભ રાગના-વ્યવહારરત્નત્રયના પરિણામથી જીવને ધર્મ નામ ધર્મરૂપી કર્મ- કાર્ય થાય એમ છે નહિ; પણ એનામાં કર્મ નામનો ગુણ નામ શક્તિ છે જેને લઈને નિર્મળ ધર્મરૂપી કાર્ય (-કર્મ) પ્રગટ થાય છે. અહીં કર્મ એટલે જડ કર્મ (જ્ઞાનાવરણાદિ) કે ભાવ કર્મ (રાગાદિ) ની વાત નથી. અહીં તો આત્મામાં કર્તા-શક્તિની જેમ બેહદ કે સામર્થ્યવાળી કર્મ નામની એક શક્તિ છે જેનાથી નિર્મળ વીતરાગપરિણતિરૂપ દશા (ધર્મરૂપી કાર્ય) થાય છે. લ્યો, આવી વાત છે; પણ વ્યવહારરત્નત્રયના કારણથી નિર્મળ રત્નત્રયરૂપી કર્મ-કાર્ય થાય છે એમ છે નહિ. આવું આકરું લાગે બાપુ! પણ શું થાય? મારગ તો આવો છે.
હવે આમાં કોઈ પંડિતો વાંધા કાઢે છે, એમ કે વ્યવહારથી નિશ્ચય થાય.
વાંધા કાઢે એ તો પોતાની ઊંધાઈ છે ભાઈ! બાકી ન્યાયથી તો સમજવું પડશે કે નહિ? અરે ભાઈ! પોતાની સત્તાનું કાર્ય પોતાની સત્તાથી છે કે પોતાની સત્તાનું કાર્ય બીજી સત્તા કરે? શું બીજી સત્તા પોતામાં ભળી જાય છે કે તે પોતાની સત્તાનું કાર્ય કરે? એમ તો બનતું નથી. એ તો કીધું ને કે-આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ નિત્ય નિરંજન પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ છે. એમાં જેમ પોતાની નિર્મળ પરિણતિરૂપ કાર્યને કરે એવો કર્તાગુણ છે તેમ પોતાની નિર્મળ પરિણતિરૂપ કર્મ થાય એવો કર્મ નામનો પણ ગુણ છે.
અહા! આ દેહ છે એ તો જડ માટી છે, અને જે દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ થાય છે તે વિકાર છે, વિભાવ છે. જ્યારે ભગવાન આત્મા દેહ ને વિભાવથી ભિન્ન એક જ્ઞાયકભાવમાત્ર ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. તેમાં જેનાથી નિર્મળ રત્નત્રયરૂપ કર્મ થાય એવો કર્મ નામનો ગુણ છે. અહાહા...! અનંત ગુણની નિર્મળ પરિણતિનું કારણ એવો ‘કર્મ’ નામનો આત્મામાં ગુણ છે. ભાઈ! આ જે શુદ્ધ ચેતન્યપરિણતિરૂપ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય એનું કારણ એમાં કર્મ નામનો ગુણ છે. પણ એમ નથી કે આ દયા, દાન, ભક્તિ આદિ વ્યવહારરત્નત્રયના રાગથી એ સ્વભાવપરિણતિ પ્રગટ