પામી જાય છે. તે યોગ્યતારૂપે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. પણ એમ નથી કે તે અશુદ્ધતારૂપે દ્રવ્યમાં ભળીને રહે છે. પર્યાયની અશુદ્ધતા દ્રવ્યમાં જતી નથી. તેવી જ રીતે ક્ષાયોપશમિકભાવ હો કે ક્ષાયિકભાવની પર્યાય હો, તેની સ્થિતિ પણ એક સમય છે. બીજે સમયે તેનો વ્યય થતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે.
આ દ્રવ્યસ્વભાવ ‘समन्तात् द्योतमानम्’ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. ઔદયિક ભાવ હો, ઉપશમ હો, ક્ષયોપશમભાવ હો કે ક્ષાયિકભાવ હો-એ બધી પર્યાયોમાં સામાન્ય એક ધ્રુવસ્વભાવ, જ્ઞાયકભાવ, કાયમ, ત્રિકાળ પ્રકાશમાન છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ એની દરેક પર્યાયમાં ધ્રુવ, ધ્રુવ, ધ્રુવપણે પ્રકાશમાન રહે છે. એવા શુદ્ધસ્વભાવનો ‘अपगतमोहीभूय’ મોહરહિત થઈને જગત અનુભવ કરો. હે જગતના જીવો, મિથ્યાત્વરૂપી મોહને છોડીને એક જ્ઞાયકભાવનો અનુભવ કરો; બાર અંગનો આ સાર છે.
ભગવાન! તારી પાસે આખો આત્મા પડયો છે ને? પાસે ક્યાં? તું જ એ છે. પર્યાય પાસે કહેવામાં આવે છે. પર્યાય એ તું નથી. પર્યાયબુદ્ધિ-અંશબુદ્ધિ-વ્યવહારબુદ્ધિ એ તો અજ્ઞાન છે. પ્રવચનસાર ગાથા ૯૩ માં ‘पज्जयमूढा हि परसमया’ એમ કહ્યુ છે. એક સમયની પર્યાયમાં મૂઢ છે એ મિથ્યાદ્રષ્ટિ છે. સ્વરૂપ જે પૂર્ણ છે એનો આદર છોડી એક સમયની પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના વિકલ્પોનો આદર એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વરૂપ અજ્ઞાન છે તો જીવની પર્યાય, પણ એમાં મોહકર્મનો ઉદય નિમિત્ત છે. (મોહકર્મે કરાવી નથી) પર્યાયમાં ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ કે રાગની મંદતા હોય, પણ એની રુચિ-પ્રેમ જે છે એ મિથ્યાત્વ છે. આચાર્ય કહે છે કે મોહકર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ મોહનો ત્યાગ કરીને, પર્યાયની રુચિ મટાડીને, પર્યાયની પાછળ જે અખંડ એક પૂર્ણ ધ્રુવ ચૈતન્યસ્વભાવ આત્મા પ્રકાશમાન રહેલો છે, તેનું લક્ષ કરી તેનો અનુભવ કરો. એમ કરતાં સમ્યગ્દર્શન છે.
અહાહા...! અતીન્દ્રિયના આનંદસ્વરૂપ આત્માની રુચિ થતાં ઈન્દ્રના ઈન્દ્રાસનના ભોગ સડેલા કૂતરા અને બિલાડા જેવા (અરુચિકર) લાગે છે. જ્ઞાનીને પણ જ્યાંસધી પૂર્ણ વીતરાગતા પર્યાયમાં પ્રગટે નહિં ત્યાંસુધી શુભ-અશુભ બન્ને રાગ આવે છે. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી વગેરે અનેક ભોગો તેને હોય છે; પણ તે કાળા નાગ જેવા, ઉપસર્ગ સમાન લાગે છે. એને એમાં હોંશ, ઉત્સાહ નથી. શાંતિનાથ, કુંથુનાથ અરનાથ તીર્થંકર હતા, સાથે ચક્રવર્તી પણ હતા. ૯૬ હજાર રાણીઓ હતી. પણ તે પ્રત્યેના ભોગને (રાગને) ઝેર સમજતા હતા. સમયસાર મોક્ષ-અધિકારમાં પુણ્યભાવને ઝેરનો ઘડો કહ્યો છે.