૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છું એમ તે માને છે. તેથી એ અસ્થિરતાના પરિણામથી એને કિંચિત્ બંધ હોવા છતાં, એકત્વબુદ્ધિજનિત બંધ તેને નહિ હોવાથી, બંધ નથી એમ કહેવામાં આવે છે.
જ્ઞાનીને પરિપૂર્ણ અબંધદશા નથી એ અપેક્ષા લઈએ ત્યારે, જો કે એકત્વબુદ્ધિ નથી છતાં, જે અસ્થિરતાના પરિણામ છે તે પણ બંધનું કારણ છે એમ કહીએ. પરંતુ અજ્ઞાનીને એકત્વબુદ્ધિનો અધ્યવસાય જ મુખ્યપણે બંધનું કારણ છે એ અપેક્ષાએ જ્ઞાનીને જે કિંચિત્ અસ્થિરતાના કારણે બંધ થાય છે તેને ગૌણ ગણી તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ...?
એમ જોઈએ તો ‘અધ્યવસાય’ શબ્દ ચાર રીતે વપરાય છેઃ- ૧. મિથ્યાશ્રદ્ધાનરૂપ સ્વ-પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે બંધનું કારણ છે, ૨. પરમાં સુખ છે, પુણ્યથી ધર્મ છે, પાપમાં મઝા છે- ઈત્યાદિ સ્વ-પર સંબંધી મિથ્યાબુદ્ધિસહિત વિભાવભાવ તે અધ્યવસાય બંધનું કારણ છે.
૩. પરમાં એકત્વબુદ્ધિ ન હોય છતાં પરસન્મુખતાના જે વિભાવ પરિણામ જ્ઞાનીને થાય છે તે કિંચિત્ બંધનું કારણ છે. ત્યાં એકત્વબુદ્ધિજનિત અનંત સંસારના કારણરૂપ બંધ નથી તેથી એને ગૌણ ગણી બંધ ગણવામાં આવેલ નથી એ બીજી વાત છે, બાકી એ પરિણામ છે એ અપેક્ષાએ તે અધ્યવસાય બંધનું કારણ છે. અહીં તે ગૌણ છે.
૪. જે પરિણામમાં પ્રજ્ઞાછીણી વડે રાગ ને આત્માનો ભેદ કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં એકત્વ કર્યું છે એવા નિર્મળ પરિણામને પણ અધ્યવસાય કહે છે, તે અધ્યવસાય મોક્ષનું કારણ છે.
આ પ્રમાણે જ્યાં જે અર્થ થતો હોય ત્યાં યથાસ્થિત તે અર્થ કરવો જોઈએ અજ્ઞાનીને પરમાં એકતાબુદ્ધિપૂર્વક જે અધ્યવસાય છે તે બંધનું જ કારણ છે, જ્યારે જ્ઞાનીને પરની એકતાબુદ્ધિરહિત પરિણામ હોય છે તે મુખ્યપણે બંધનું કારણ નથી. ભાઈ! આવો મોટો ફેર છે. પોતાને મન ફાવે તેમ અર્થ કરે તે ન ચાલે. સમજાણું કાંઈ....?
એ તો આગળ આવી ગયું (બંધ અધિકારની શરૂઆતની ગાથાઓમાં) કે સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગનું એકત્વ કરતો નથી માટે તેને બંધ નથી; અસ્થિરતાના પરિણામને ત્યાં ગણ્યા નથી. જ્યારે મિથ્યાદ્રષ્ટિ ઉપયોગમાં રાગને એક કરે છે. શું કીધું? કે મિથ્યાદ્રષ્ટિ, પોતે છે તો નિત્ય નિરંજન જ્ઞાનના નિર્મળ ઉપયોગસ્વરૂપ, પણ તે ઉપયોગભૂમિમાં રાગથી એકત્વ કરે છે અને માટે તે અધ્યવસાય તેને બંધનું જ કારણ થાય છે. તથા જે જ્ઞાનના પરિણામ ભગવાન જ્ઞાયકના ત્રિકાળી નિર્મળ ઉપયોગમાં એકત્વ કરે છે તે અધ્યવસાય મોક્ષનું કારણ બને છે. આવી વાત છે. જ્યાં જેમ હોય તેમ યોગ્ય સમજવું જોઈએ.