તત્કાળ-શીઘ્ર ‘निर्भिद्य’ ભિન્ન કરીને (જાણીને) -જુઓ, અહીં શું કહે છે? રાગથી કે પૈસા ખર્ચવાથી ધર્મ થાય એવી માન્યતાવાળાનું ધર્મમાં કોઈ સ્થાન નથી એમ કહે છે. થેલામાં કડવું કરિયાતું ભર્યું હોય અને ઉપર નામ લખે સાકર તેથી કાંઈ કરિયાતું સાકર ન થઇ જાય. એમ પરની ક્રિયા અને રાગની ક્રિયા કરે અને નામ ધર્મનું આપે તો એ કાંઈ ધર્મ ન થઈ જાય. એ તો મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યગ્દ્રષ્ટિ શુભાશુભ બન્ને ભાવને પોતાનાથી ભિન્ન જાણે છે. એ બન્ને પ્રકારના વિકલ્પોને તત્કાળ આત્માથી ભિન્ન જાણીને તથા ‘मोहं’ તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને ‘हठात्’ પોતાના બળથી (પુરુષાર્થથી) ‘व्याहत्य’ રોકીને-એટલે શુભભાવથી ધર્મ થશે એવી મિથ્યા માન્યતાને પોતાના સ્વભાવના પુરુષાર્થ વડે રોકીને -નાશ કરીને ‘अन्तः’ અંતરંગમાં પૂર્ણાનંદનો નાથ છે એનો ‘किल अहो कलयति’ અભ્યાસ કરે- દેખે-અનુભવ કરે, સાક્ષાત્કાર કરે તો ‘अयम् आत्मा’ આ આત્મા ‘आत्मानुभव–एक गम्य–महिमा’ પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો - દેવ-ગુરુ-શાસ્ત્રથી કે તેમની ભક્તિના રાગથી નહીં, પણ પોતાના અંતરઅનુભવથી જ જણાવાયોગ્ય છે એવો- ‘व्यक्तः’ વ્યક્ત છે. વ્યક્ત એટલે પ્રગટ છે. એક સમયની પર્યાયથી રહિત ત્રિકાળી વસ્તુ આત્મા પોતાની અપેક્ષાએ અનુભવગમ્ય છે તેથી વ્યક્ત છે. એક સમયની જ્ઞાન-વીર્ય આદિની પ્રગટ-વ્યક્ત પર્યાયની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ આત્મા અવ્યક્ત કહી છે. વળી ‘ध्रुवं’ ભગવાન આત્મા કોઈથી ચળે નહીં તેવો નિશ્ચલ છે, ‘शाश्वतः’ શાશ્વત કહેતાં ઉત્પત્તિ-વિનાશરહિત છે. શરીર, કર્મ તથા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન આત્માનો અંતરંગમાં અનુભવ કરે તો આત્મા પ્રગટરૂપ, નિશ્ચલ અને શાશ્વતરૂપે રહેલો છે. વળી ‘नित्यं कर्मकलङ्क–पङ्क–विकल’ નિત્ય કર્મ-કલંક-કર્દમથી રહિત છે. દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ તો અનાદિ-અનંત કર્મકલંકથી રહિત અંદરમાં પોતે ‘स्वयं देवः’ સ્તુતિ કરવા યોગ્ય દેવ ‘आस्ते’ બિરાજમાન છે.
આ જે ભગવાન થઈ ગયા તેમની કે સ્વર્ગના દેવની વાત નથી. આ તો પોતે સ્વયં દેવ છે એની વાત છે. દેહદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર પરમાત્મસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. પરમાત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય કયાંથી? આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ દેવ છે. પણ અરે! ‘નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ.’ -નજરની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજરને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છઠ્ઠે-સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની) વાત તો અલૌકિક છે.